સુરેશ રૈનાએ તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, વિદેશી લીગમાં રમે તેવી શક્યતા - suresh raina retires from all forms of cricket may play overseas t20 leagues

સુરેશ રૈનાએ તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, વિદેશી લીગમાં રમે તેવી શક્યતા – suresh raina retires from all forms of cricket may play overseas t20 leagues


ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ મંગળવારે તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. આ સાથે જ હવે તે વિદેશમાં રમાતી ટી20 લીગ રમવા માટે એલિજિબલ બની ગયો છે. 35 વર્ષીય ક્રિકેટરે 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. તે દિવસે મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી અને તેના થોડા સમય બાદ રૈનાએ પણ નિવૃત્તિ જાહેર કરી હતી. જોકે, ત્યારબાદ તે 2021માં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં રમ્યો હતો પરંતુ 2022ની સિઝન પહેલા ચેન્નઈ સુપર કિંગ્સ ટીમે તેને રિલીઝ કરી દીધો હતો.

સુરેશ રૈનાએ મંગળવારે ટ્વિટર પર નિવૃત્તિની જાહેરાત કરતા લખ્યું હતું કે, મારા દેશ અને મારા રાજ્ય ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગર્વની વાત છે. હું ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરું છું. હું ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ, યુપીસીએ ક્રિકેટ, ચેન્નઈ સુપર કિંગ્સ, રાજીવ શુક્લા સર અને મારા તમામ ચાહકોનો આભાર માનું છું જેમણે મારી ક્ષમતાઓમાં વિશ્વાસ રાખ્યો અને સતત મારું સમર્થન કર્યું.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નિયમ પ્રમાણે ભારતીય ટીમ કે ડોમેસ્ટિક ક્રિકેટમાં એક્ટિવ ખેલાડી વિદેશી લીગમાં ભાગ લઈ શકતા નથી. તેથી સુરેશ રૈનાએ વિદેશમાં રમાતી ટી20 લીગમાં ભાગ લેવા માટે નિવૃત્તિ જાહેર કરવી પડે તેમ હતી. રૈના હવે ક્રિકેટ સાઉથ આફ્રિકાની નવી ટી20 લીગમાં જોવા મળી શકે છે જે આવતા વર્ષે રમાવાની છે. આ લીગની તમામ છ ટીમો આઈપીએલ ફ્રેન્ચાઈઝીના માલિકો દ્વારા ખરીદવામાં આવી છે. જેમાં ચેન્નઈ સુપર કિંગ્સ પણ સામેલ છે.

સુરેશ રૈના છેલ્લે ઓક્ટોબર 2021માં પોતાની અંતિમ સ્પર્ધાત્મક મેચ રમ્યો હતો. તેણે અબુધાબીમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે રાજસ્થાન રોયલ્સ સામે મેચ રમી હતી. ભારતીય ખેલાડી તરીકે રૈના 18 ટેસ્ટ, 226 વન-ડે અને 78 ટી20 મેચ રમ્યો છે. તે ભારતીય ટીમનો મહત્વનો ખેલાડી અને મિડલ ઓર્ડરમાં આધારભૂત બેટર હતો. રૈના 2011ની વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમનો પણ ભાગ રહ્યો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *