ઓસ્ટ્રેલિયાની સામે સીરિઝ પછી ભારત ત્રણ મેચોની સીરિઝ માટે સાઉથ આફ્રિકાની યજમાની કરશે અને તે પછી ટી-20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયા રવાના થશે. રોહિતે આ મહિનાની શરૂઆતમાં અફઘાનિસ્તાન સામે એશિયા કપમાં કોહલીની સદી સંદર્ભે કહ્યું કે, ‘રાહુલ ભાઈ (મુખ્ય કોચ રાહુલ દ્રવિડ) અને મારી વાત થઈ કે, આપણે કેટલીક મેચોમાં વિરાટ પાસે ઓપનિંગ કરાવવું જોઈએ, કેમકે તે આપણો ત્રીજો ઓપનર બેટ્સમેન છે. ગત મેચમાં આપણે જોયું કે, ઓપનર બેટ્સમેન તરીકે તેણે શું કર્યું અને અમે તેના એ પ્રદર્શનથી ઘણા ખુશ છીએ.’
આ કોહલીનું નવેમ્બર 2019 પછી આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલી અને કુલ 71મી સદી હતી. રોહિતે કોહલીને ત્રીજા ઓપનર જણાવવાની સાથે જ સ્પષ્ટ કરી દીધું કે, રાહુલ જ તેની સાથે ઓપનિંગમાં ઉતરશે. તેણે કહ્યું કે, ‘કેએલ રાહુલ ટી-20 વર્લ્ડ કપમાં અમારા માટે ઈનિંગ્સની શરૂઆત કરશે. અમે એ નંબર પર વધારે પ્રયોગ નથી કરવા જઈ રહ્યા. તેમના પ્રદર્શન પર મોટાભાગે નજર રહે છે. તે ભારત માટે ઘણો મહત્વપૂર્ણ ખેલાડી છે.’
ભારતીય કેપ્ટને હળવા અંદાજમાં કહ્યું કે, ‘જો તમે છેલ્લા બે-ત્રણ વર્ષના તેના પ્રદર્શન પર ધ્યાન આપશો તે ઘણું સારું રહ્યું છે. હું બધાને એ સ્પષ્ટ કરી દેવા ઈચ્છું છું કે, આ અંગે અમારો સ્પષ્ટ મત છે અને બહાર કઈ ખિચડી પકાવાઈ રહી છે, અમે તે સારી રીતે જાણીએ છીએ.’