અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી (Mohammed Shami) હજી કોરોનામાંથી સાજો થયો નથી. જેના કારણે તે સાઉથ આફ્રિકા સામેની ટી20 સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. મોહમ્મદ શમીના સ્થાને ઝડપી બોલર ઉમેશ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે બેટર શ્રેયસ ઐય્યર દીપક હૂડાનું સ્થાન લશે. આ ઉપરાંત શાહબાઝ અહેમદને પણ ટી20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ ટી20 મેચની સીરિઝ રમાશે અને ત્યારબાદ ત્રણ મેચની વન-ડે સીરિઝ રમાશે. આગામી મહિને ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડ કપ પહેલા ભારતની આ અંતિમ ટી20 સીરિઝ હશે. તેથી કોચ રાહુલ દ્રવિડ અને સુકાની રોહિત શર્મા ટીમને વધારે મજબૂત બનાવવા પ્રયાસ કરશે. ભારતની સૌથી મોટી ચિંતા ડેથ ઓવર્સ બોલિંગની રહી છે. જેના કારણે ટીમને એશિયા કપમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. તેથી ટીમ ઝડપથી તેમાં સુધારો કરવા ઈચ્છશે.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 28 સપ્ટેમ્બરે તિરુવનંતપુરમમાં પ્રથમ ટી20 મેચ રમાશે. ત્યારબાદ 2 ઓક્ટોબરે બીજી ટી20 અને 4 ઓક્ટોબરે ત્રીજી અને અંતિમ ટી20 મેચ રમાશે. ટી20 સીરિઝ બાદ બંને ટીમો વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરિઝ રમાશે જેની પ્રથમ મેચ 6 ઓક્ટોબરે, બીજી મેચ 9 ઓક્ટોબરે અને ત્રીજી તથા અંતિમ મેચ 11 ઓક્ટોબરે રમાશે.
સાઉથ આફ્રિકા સામે ટી20 સીરિઝ માટેની ભારતીય ટીમઃ રોહિત શર્મા (સુકાની), લોકેશ રાહુલ (ઉપસુકાની), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિશભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, દીપક ચહર, જસપ્રિત બુમરાહ, ઉમેશ યાદવ, શ્રેયસ ઐય્યર, શાહબાઝ અહેમદ.