250 રનના લક્ષ્યાંકને પાર પાડવા મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત નિરાશાજનક રહી હતી. સુકાની શિખર ધવન અને શુભમન ગિલની જોડી નિષ્ફળ રહી હતી. ધવન ચાર અને ગિલ ત્રણ રન નોંધાવીને આઉટ થયા હતા. ભારતે આઠ રનના સ્કોર પર પોતાના બંને ઓપનર ગુમાવી દીધા હતા. ત્યારબાદ ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશને બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ મોટી ઈનિંગ્સ રમી શક્યા ન હતા. ગાયકવાડ 19 અને કિશન 20 રન નોંધાવીને આઉટ થયો હતો. જોકે, બાદમાં શ્રેયસ ઐય્યર અને સંજૂ સેમસને લડાયક બેટિંગ કરી હતી પરંતુ તેમની બેટિંગ વિજય અપાવવા માટે પૂરતી સાબિત થઈ ન હતી. શ્રેયસ ઐય્યર અને સેમસન બંનેએ આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી. ઐય્યર 37 બોલમાં 50 રન નોંધાવીને આઉટ થયો હતો જેમાં તેણે આઠ ચોગ્ગા ફટકાર્યા હતા.
ત્યારબાદ શાર્દૂલ ઠાકુર 33 રન નોંધાવીને આઉટ થયો હતો. જોકે, સેમસને અંતિમ બોલ સુધી છેડો જાળવી રાખ્યો હતો પરંતુ ટીમને વિજય અપાવી શક્યો ન હતો. અંતિમ ઓવરમાં ભારતને જીતવા માટે 30 રનની જરૂર હતી. સેમસને શમશીએ કરેલી ઓવરમાં પ્રથમ બોલ પર સિક્સર અને ત્યારપછી સળંગ બે ચોગ્ગા ફટકારીને વિજયની આશા જગાવી હતી પરંતુ ત્યારપછીનો બોલ ખાલી રહ્યો હતો અને પાંચમાં બોલ પર તેણે ફરીથી ચોગ્ગો ફટકાર્યો હતો પરંતુ આ પ્રયાસ પૂરતો સાબિત થયો ન હતો. તેણે 63 બોલમાં નવ ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી 86 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. સાઉથ આફ્રિકા માટે લુંગી નગિડીએ ત્રણ, કાગિસો રબાડાએ બે તથા વેન પાર્નેલ, કેશવ મહારાજ અને તબરૈઝ શમશીએ એક-એક વિકેટ ખેરવી હતી.
ક્લાસેન અને મિલરની શાનદાર બેટિંગ, ફટકારી અણનમ અડધી સદી
પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ મેદાનમાં ઉતરેલી સાઉથ આફ્રિકન ટીમને જાનેમન મલાન અને ક્વિન્ટન ડીકોકની ઓપનિંગ જોડીએ સારી શરૂઆત અપાવી હતી. આ જોડીએ 49 રનની ભાગીદારી નોંધાવી હતી. જોકે, ડીકોક અડધી સદી ચૂકી ગયો હતો. તેણે 54 બોલમાં પાંચ ચોગ્ગા સાથે 48 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે મલાન 22 રન નોંધાવીને આઉટ થયો હતો. બાદમાં ટીમે ઉપરા ઉપરી બીજી બે વિકેટ ગુમાવી દીધી હતી. સુકાની બાવુમા આઠ રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો જ્યારે એડન માર્કરામ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.
સાઉથ આફ્રિકાએ 22.2 ઓવરમાં 110 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. પંરતુ બાદમાં ક્લાસેન અને મિલરે આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી. આ જોડીએ 139 રનની અતૂટ ભાગીદારી નોંધાવીને ટીમના સ્કોરને મજબૂત બનાવ્યો હતો. બંને બેટરે પોતાની અડધી સદી પણ પૂરી કરી હતી. ક્લાસેને 65 બોલમાં છ ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 74 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. જ્યારે મિલર 63 બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ સિક્સર સાથે 75 રન નોંધાવીને નોટઆઉટ રહ્યો હતો. ભારત માટે શાર્દૂલ ઠાકુરે બે તથા રવિ બિશ્નોઈ અને કુલદીપ યાદવે એક-એક વિકેટ ઝડપી હતી.