શ્રીલંકાએ કર્યું હતું અદ્દભુત પ્રદર્શન
જોકે, પોતાની પ્રથમ મેચ ગુમાવ્યા બાદ શ્રીલંકન ટીમે વળતો પ્રહાર કરીને એક પછી એક મેચો જીતી લીધી હતી. શ્રીલંકાએ સુપર-4 સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન જેવી ઈનફોર્મ ટીમોને પણ પરાજય આપ્યો હતો. જ્યારે ફાઈનલમાં ફરીથી પાકિસ્તાનને હરાવ્યું હતું. કેપ્ટન દાસુન શનાકાની આગેવાનીમાં યુવાન ટીમે એવું પ્રદર્શન કર્યું કે ક્રિકેટ એક્સપર્ટ્સ અને પંડિતો પણ તેમની પ્રશંસા કરતા થાકતા નથી.
શ્રીલંકાએ છઠ્ઠી વખત જીતી એશિયા ટ્રોફી

દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એશિયા કપની ફાઈનલમાં શ્રીલંકાએ પાકિસ્તાન સામે 23 રને શાનદાર વિજય નોંધાવ્યો હતો. જેમાં ભાનુકા રાજપક્સાએ 71 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. જ્યારે પ્રમોદ મદુશંકાએ ચાર વિકેટ ઝડપી હતી. શ્રીલંકાએ છઠ્ઠી વખત એશિયા કપ જીત્યો છે.
પોતાના સ્ટાર્સને જોવા માટે ઉમટી ભીડ

મંગળવારે ટીમ વતન પરત ફરી ત્યારે ભંડારાનાઈક ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શ્રીલંકન ક્રિકેટ બોર્ડ અને સ્પોર્ટ્સ મંત્રાલયના અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. બાદમાં તેમની વિક્ટરી પરેડ કરવામાં આવી હતી. ઓપન બસમાં બેઠેલા ખેલાડીઓને જોવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ ઉમટી પડ્યા હતા. ખેલાડીઓએ પણ ક્રિકેટપ્રેમીઓનું અભિવાદન કર્યું હતું.