આ ગોલકીપરનું નામ યાસીન બુનો (Yassine Bounou) છે જેનું મોરોક્કોને સેમિફાઈનલમાં પહોંચાડવામાં મોટું યોગદાન છે. ઘણાં ઓછા લોકોને એ વાતનો ખ્યાલ હશે કે યાસીન બુનો (Yassine Bounou) ભારતમાં આવીને પણ ફૂટબોલ રમી ચૂક્યો છે. યાસીન બુનો વર્ષ 2018માં એક ફ્રેન્ડલી મેચ માટે ભારત આવ્યો હતો. અહીં નોંધનીય છે કે મોરોક્કોની ટીમે આ મેચમાં ઐતિહાસિક જીત મેળવીને આખી દુનિયાને આશ્ચર્યમાં મુકી દીધી હતી. આ જીત સાથે જ મોરોક્કો સેમિફાઈનલમાં પહોંચનાર પ્રથમ આફ્રિકન દેશ બન્યો છે. મોરોક્કોની ટીમે 1-0થી આ કવાર્ટર ફાઈનલ મેચ જીતી હતી.
કતારમાં રમાઈ રહેલા ફિફા ફૂટબોલ વર્લ્ડ કપમાં શનિવારે વધુ એક અપસેટ સર્જ્યો હતો. શનિવારે રમાયેલી ક્વાર્ટર ફાઈનલમાં મોરોક્કોની ટીમે સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ટીમ પોર્ટુગલને 1-0થી પરાજય આપ્યો હતો. આ સાથે મોરોક્કોએ ઈતિહાસ રચી દીધો છે. મોરોક્કો ફૂટબોલ વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચનારી પ્રથમ આફ્રિકન ટીમ બની ગઈ છે. જ્યારે રોનાલ્ડોનું વર્લ્ડ કપ જીતવાનું સપનુ અધૂરૂં રહી ગયું છે. વિશ્વના મહાન ફૂટબોલરમાં સામેલ રોનાલ્ડો પોતાની કારકિર્દીમાં પોર્ટુગલને ક્યારેય વર્લ્ડ કપ જીતાડી શક્યો નહીં તે મહેણું આજીવન તેને ખટકશે. કેમ કે 37 વર્ષીય રોનાલ્ડોનો આ સંભવિત અંતિમ વર્લ્ડ કપ છે. મોરોક્કો સામે પરાજય સાથે પોર્ટુગલ વર્લ્ડ કપની બહાર થઈ ગયું ત્યારે રોનાલ્ડો પોતાની લાગણીઓ રોકી શક્યો ન હતો. રોનાલ્ડો મેદાન પર જ રડી પડ્યો હતો. રોનાલ્ડોને મેચની શરૂઆતમાં બેન્ચ પર બેસાડી રાખવામાં આવ્યો હતો.
ક્વાર્ટર ફાઈનલમાં પણ રોનાલ્ડોને બેન્ચ પર બેસાડી રાખવામાં આવ્યો
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વર્તમાન વર્લ્ડ કપમાં પોર્ટુગલ ટીમનો સુકાની છે પરંતુ ક્વાર્ટર ફાઈનલ જેવી મહત્વની મેચમાં તેને શરૂઆતમાં બેન્ચ પર બેસાડવામાં આવ્યો હતો. તેના સ્થાને ગોન્સાલો રામોસને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જોકે, બાદમાં રોનાલ્ડોને સબસ્ટિટ્યુટ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ તે કોઈ કમાલ કરી શક્યો ન હતો. મંગળવારે સ્વિટઝર્લેન્ડ સામેની મેચમાં પણ રોનાલ્ડોને બેન્ચ પર બેસાડી રાખવામાં આવ્યો હતો. જોકે, તે મેચમાં પોર્ટુગલે 6-1થી વિજય નોંધાવ્યો હતો જેમાં રામોસે હેટટ્રિક નોંધાવી હતી. પોતાને બેન્ચ પર બેસાડી રાખવાના કારણે રોનાલ્ડો કોચ ફર્નાન્ડો સાન્ટોસ પર રોષે ભરાયો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે રોનાલ્ડોએ ટુર્નામેન્ટ છોડીને જતાં રહેવાની ધમકી પણ આપી હતી. જોકે, પોર્ટુગલ ફૂટબોલ ફેડરેશને આ રિપોર્ટને ફગાવી દીધા હતા.