યશસ્વી જયસ્વાલની પ્રશંસામાં વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી. તેણે લખ્યું હતું કે, મેં આજ સુધી જોયેલી તમામ ખાસ બેટિંગમાં આ સામેલ છે. કેવો બેટ્સમેન… જોકે, આશ્ચર્ય ત્યારે થયું જ્યારે તેણે થોડી જ વારમાં તે સ્ટોરી હટાવી દીધી હતી. અહીં બીજી એક આશ્ચર્યજનક બાબત એ બની કે તેણે ફરીથી એ જ પ્રશંસાને ફરીથી પોસ્ટ કરી. બધા વિચારતા હતા કે તેણે પ્રશંસામાં એક જ વાત લખી છે, તો પછી તેણે પ્રથમ પોસ્ટ કેમ કાઢી નાખી?
હકિકતમાં પ્રથમ પોસ્ટમાં Jio સિનેમા અને Tata IPLનો લોગો જઈ રહ્યો હતો, પરંતુ બીજી પોસ્ટમાં પ્રશંસા માટેના શબ્દો તો એ જ હતા પરંતુ Jio સિનેમા અને Tata IPLનો ભાગ હટાવી દેવામાં આવ્યો હતો. વાસ્તવમાં કોહલી સ્ટાર સ્પોર્ટ્સનો બ્રાન્ડ એમ્બેસેડર છે. તેથી તેણે પ્રથમ પોસ્ટ દૂર કરી હતી. આ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન વચ્ચેની મેચમાં વિરાટ કોહલી લાંબા સમય સુધી યુવા યશસ્વી જયસ્વાલ સાથે વાત કરતો જોવા મળ્યો હતો.
મેચ બાદ યશસ્વીએ કોહલી સાથેની વાતચીત વિશે પણ જણાવ્યું કે તેની સલાહથી ઘણો ફાયદો થયો છે. બીજી તરફ યશસ્વી જયસ્વાલ આ શાનદાર ઈનિંગ્સની મદદથી 575 રન નોંધાવ્યા છે, જ્યારે તેની આગળ રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો ફાફ ડુ પ્લેસિસ છે. તેણે અત્યાર સુધીમાં 576 રન નોંધાવ્યા છે. આ દરમિયાન યશસ્વીનો સ્ટ્રાઈક રેટ 167.15 છે, જે ફાફ ડુ પ્લેસિસના સ્ટ્રાઈક રેટ 157.81 કરતા ઘણો સારો છે. કોલકત્તાને હરાવ્યા બાદ ગત સિઝનની ઉપવિજેતા રાજસ્થાન પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે પહોંચી ગઈ છે. તે પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે.