યશસ્વી જયસ્વાલ ઈરાની કપની એક જ મેચમાં બેવડી સદી અને સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેના પહેલા શિખર ધવન અને હનુમા વિહારીએ બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. પરંતુ કોઈ બેટર બેવડી સદી અને એક સદી ફટકારી શક્યો ન હતો. આ સાથે 21 વર્ષીય યશસ્વી ઈરાની કપની મેચમાં સૌથી વધુ રન ફટકારનારો ખેલાડી પણ બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ શિખર ધવન (332 રન)ના નામે હતો. આ પહેલા ધવન સિવાય કોઈ બેટર 300 રનના આંકડાને સ્પર્શી શક્યો નહોતો.
યશસ્વી 11મો ભારતીય ખેલાડી બન્યો
જયસ્વાલ ફર્સ્ટ ક્લાસ મેચમાં બેવડી સદી અને એક જ મેચમાં સદી ફટકારનાર 11મો ભારતીય છે. કે.એસ. દિલીપ સિંહજી 1929માં ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સસેક્સ તરફથી રમતી વખતે આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય બન્યા હતા. સુનીલ ગાવસ્કર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ સિદ્ધિ નોંધાવનાર એકમાત્ર ભારતીય છે. સુનીલ ગાવસ્કરે 1971માં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ દરમિયાન આ સિદ્ધિ નોંધાવી હતી.
15 મેચમાં ફટકારી 9 સદી
યશસ્વી જયસ્વાલની આ માત્ર 15મી ફર્સ્ટ ક્લાસ મેચ છે અને તેમાં તેણે 9 સદી ફટકારી દીધી છે. 2019માં યશસ્વીએ છત્તીસગઢ સામે મુંબઈ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. તેને 2020 અંડર-19 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવા બદલ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ મળ્યો હતો. તેના નામે 32 લિસ્ટ-A મેચોમાં પાંચ સદી છે. જેમાં 203 રનની ઈનિંગ્સ પણ સામેલ છે.