ભારતનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ (જુલાઈ-ઓગસ્ટ)
ભારતીય ટીમ આગામી મહિને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે. 12 જુલાઈથી વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર ટેસ્ટ મેચ રમશે. જ્યારે વન-ડે શ્રેણી 27 જુલાઈથી શરૂ થશે. ત્રીડી ઓગસ્ટથી બંને ટીમો વચ્ચે ટી20 શ્રેણી રમાશે. ભારતનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ 13 ઓગસ્ટે સમાપ્ત થશે. આ પ્રવાસમાં ભારતીય ટીમ બે ટેસ્ટ, ત્રણ વન-ડે અને પાંચ ટી20 મેચની સીરિઝ રમશે.
ભારતનો આયર્લેન્ડ પ્રવાસ (ઓગસ્ટ)
ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ આયર્લેન્ડ જશે. આ પ્રવાસનું શિડ્યુલ આવ્યું નથી પરંતુ અહીં ત્રણ T20 મેચો યોજાવાની છે. આ પ્રવાસ પર માત્ર યુવા ખેલાડીઓ જ જશે તેવી અપેક્ષા છે. જોકે, આ સીરિઝ ક્યારે રમાશે તેનો ફાઈનલ કાર્યક્રમ હજી સુધી જાહેર થયો નથી.
એશિયા કપ 2023 (ઓગસ્ટ-સપ્ટેમ્બર)
આ વર્ષે ભારતમાં વન-ડે વર્લ્ડ કપ રમાવાનો છે અને તેને ધ્યાનમાં રાખતા એશિયા કપ 2023 પણ વન-ડે ફોર્મેટમાં રમાશે. તેની યજમાની પાકિસ્તાન અને શ્રીલંકા કરી રહ્યા છે. ટુર્નામેન્ટ 31 ઓગસ્ટથી શરૂ થશે અને ફાઈનલ 17 સપ્ટેમ્બરે રમાશે. જો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચશે તો તે ટુર્નામેન્ટમાં 6 મેચ રમશે.
ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ (સપ્ટેમ્બર)
એશિયા કપ બાદ ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે 3 મેચની વનડે સિરીઝ રમશે. આ મેચો માત્ર ભારતમાં જ રમાશે. રોહિત શર્માની ટીમ આ સિરીઝથી વર્લ્ડ કપની તૈયારીઓને આખરી ઓપ આપશે.
ટીમ ઈન્ડિયા કુલ કેટલી મેચ રમશે?
જો ભારતીય ટીમ એશિયા કપની ફાઇનલમાં પહોંચશે તો તે વર્લ્ડ કપ પહેલા 12 વનડે રમશે. આ સાથે 2 ટેસ્ટ અને 8 ટી20 મેચ રમવાની છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ હશે. તેથી ટીમ તેને હળવાશથી લેશે નહીં.