આ ટૂર્નામેન્ટમાં ઘણી દિગ્ગજ મહિલા ક્રિકેટર ભાગ લઈ રહી છે. જોકે, કેટલાક ખેલાડી એવા પણ છે, જે ખેલાડી તરીકે નહીં પણ ટીમના કોચિંગ સ્ટાફ તરીકે પોતાની નવી ઈનિંગ્સ શરૂ કરવા જઈ રહી છે. એવી જ એક ખેલાડી છે ભારતની પૂર્વ દિગ્ગજ મહિલા કેપ્ટન મિતાલી રાજ. મિતાલી રાજ WPLમાં ગુજરાત જાયન્ટ્સની મેન્ટોર છે. એવામાં WPL માટે જેટલી ઉત્સાહિત ટીમની મહિલા ખેલાડી છે, એટલો ઉત્સાહ કોચિંગ સ્ટાફમાં પણ જોવા મળી રહ્યો છે, જેનો અંદાજ ગુજરાત જાયન્ટ્સના ટ્વિટર હેન્ડલ પર શેર કરાયેલા એક વિડીયો પરથી લગાવી શકાય છે.
ગુજરાત જાયન્ટ્સે પોતાના ટ્વિટર હેન્ડલ પર મિતાલી રાજનો એક વિડીયો શેર કરતા લખ્યું કે, ‘જ્યારે તમને જાણ થાય કે આ WPLનો મહિનો છે.’ આ વિડીયોમાં મિતાલી ડાન્સ કરતી જોવા મળી રહી છે. માત્ર મિતાલી જ નહીં, તેની પાછળ બીજી બે મહિલા ખેલાડી પણ ડાન્સ સ્ટેપ કરતી જોવા મળી રહી છે. આ ત્રણેએ શ્રીલંકન સિંગર યોહાનીના ફેમશ ગીત ‘માનિકે માગે હિતે’ પર ડાન્સ કર્યો હતો.
મહિલા આઈપીએલને લઈને મહિલા ક્રિકેટરોની સાથે જ ક્રિકેટ ફેન્સમાં પણ ઘણો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, આ ટૂર્નામેન્ટથી ભારતમાં મહિલા ક્રિકેટની કાયાપલટ થઈ જશે. ઘણા વર્ષો સુધી મહિલા ક્રિકેટને નજર અંદાજ કરવામાં આવી રહ્યું હતું. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં આ સ્થિતિ બદલાઈ છે. પણ, મહિલા આઈપીએલ પછી ભારતમાં મહિલા ક્રિકેટરોનો સિતારો પણ પુરુષ ક્રિકેટરો જેટલો ચમકવા લાગશે તેવું માનવામાં આવી રહ્યું છે.