રિપોર્ટ પ્રમાણે રાજશ્રી છેલ્લા ત્રણ દિવસથી ગાયબ હતી. પોલીસે તેના મોબાઈલના અંતિમ લોકેશનની મદદથી તેની શોધખોળ શરૂ કરી હતી અને ત્યારબાદ તેને શોધી કાઢવામાં આવી હતી. રાજશ્રીને લઈને પહેલા ઓરિસ્સા ક્રિકેટ એસોસિયેશને જ પોલીસમાં તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. મીડિયા રિપોર્ટનું માનવામાં આવે તો રાજશ્રી માનસિક તણાવમાંથી પસાર થઈ રહી હતી. રાજશ્રી ટીમના ટ્રેનિંગ કેમ્પમાં 25 ખેલાડીઓમાં સામેલ કરવામાં આવી હતી. પરંતુ જ્યારે અંતિમ પસંદગી કરવામાં આવી ત્યારે તેને તેમાં સ્થાન મળ્યું ન હતું. ત્યારબાદ તે 11 જાન્યુઆરીથી ગાયબ થઈ ગઈ હતી.
રાજશ્રીની માતાએ પુત્રીના મોત બાદ પસંદગી સમિતિ પર આરોપ લગાવ્યો છે. રાજશ્રીની માતાએ કહ્યું હતું કે, તેમની દીકરી કેમ્પમાં ભાગ લેવા માટે કટક આવી હતી. કેમ્પ 10 દિવસ સુધી ચાલવાનો હતો તેના કારણે તે અહીં એક હોટલમાં રોકાઈ હતી. મારી પુત્રી ઘણું સારું રમતી હોવા છતાં તેને જાણી જોઈને ટીમમાં સામેલ કરવામાં આવી નથી.
આ ઘટના બાદ રાજશ્રીનો પરિવાર આઘાતમાં છે. તેની માતાએ પણ સ્વીકાર્યું હતું કે રાજશ્રી તણાવમાં હતી અને આ અંગે તેણે ફોન પર પોતાની બહેન સાથે વાત કરીને તેને જણાવ્યું હતું. બીજી તરફ ક્રિકેટ એસોસિયેશન અંગે રાજશ્રીની માતાએ જણાવ્યુ હતું કે, મારી પુત્રી ગાયબ થઈ ગઈ તો એસોસિયેશને આ વાત છૂપાવી રાખી હતી. કેમ્પ આયોજકે તેમને કોઈ પણ જાતની માહિતી આપી ન હતી. અમે જ્યારે તેમનો સંપર્ક કર્યો ત્યારે તેમણે અમને માહિતી આપી હતી. બીજી તરફ ઓરિસ્સા ક્રિકેટ એસોસિયેશન તરફથી રાજશ્રીના મોત પર કોઈ પ્રકારનું નિવેદન આવ્યું નથી.