યશસ્વી જયસ્વાલે 350 બોલમાં 143 રન નોંધાવ્યા છે જ્યારે કોહલીએ 96 બોલમાં 36 રન નોંધાવ્યા છે. ડોમિનિકાની આ પિચ બેટ્સમેનોને રન નોંધાવવા માટે ખૂબ જ મુશ્કેલ બની રહી છે. આ જ કારણ છે કે વિરાટ કોહલી જેવા બેટ્સમેનને પોતાની ઈનિંગ્સમાં પ્રથમ બાઉન્ડ્રી ફટકારવા માટે 81 બોલ સુધી રાહ જોવી પડી હતી. વિરાટ કોહલીની કારકિર્દીમાં આવું કદાચ પહેલીવાર બન્યું હશે જ્યારે તેણે બાઉન્ડ્રી ફટકારવા માટે આટલા બોલનો સામનો કર્યો હોય.
જોકે કોહલી 96 બોલ બોલ રમી ચૂક્યો છે અને તેની નજર પિચ પર છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને આશા હશે કે તે પણ સદી ફટકારે. વિરાટ કોહલીએ આ વર્ષે માર્ચમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ફોર્મેટમાં તેની છેલ્લી સદી ફટકારી હતી. આ ફોર્મેટમાં આ તેની 28મી સદી હતી.
ભારત 162 રનની સરસાઈ ધરાવે છે
પ્રથમ દાવમાં વેસ્ટ ઈન્ડિઝના 150 રનના જવાબમાં ભારતે 312 રન નોંધાવી લીધા છે. ટીમ ઈન્ડિયા માટે મેચમાં યશસ્વી જયસ્વાલે રોહિત શર્મા સાથે ઈનિંગ્સની શરૂઆત કરી અને બંનેએ પ્રથમ વિકેટ માટે 229 રનની ભાગીદારી નોંધાવી હતી. રોહિત શર્મા 221 બોલમાં 103 રનની ઈનિંગ્સ રમીને આઉટ થયો હતો. જેમાં તેણે 10 ચોગ્ગા અને બે સિક્સર પણ ફટકારી હતી. ટેસ્ટમાં આ તેની 10મી સદી હતી. ભારત માટે રોહિત શર્મા સિવાય બીજી વિકેટ શુભમન ગિલના રૂપમાં પડી હતી. ટીમ ઈન્ડિયા માટે ગિલ ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. શુભમને 11 બોલમાં માત્ર 6 રન બનાવ્યા હતા.