બે કિંગ્સ વચ્ચેનો બ્રોમાન્સ
મેચ પૂરી થયા પછી બોલિવુડનો કિંગ ખાન કિંગ કોહલીને મળ્યો હતો. વિરાટ મેદાનમાં હતો ત્યારે શાહરૂખ ખાન તેને મળવા પહોંચ્યો હતો. બંનેએ એકબીજાને આલિંગન આપ્યું હતું. શાહરૂખ વિરાટ સાથે પ્રેમથી વાતો કરતો જોવા મળ્યો હતો. બંને વચ્ચે થોડી વાતચીત થઈ પછી શાહરૂખની ફિલ્મ ‘પઠાણ’નું ગીત વાગવા લાગ્યું ત્યારે શાહરૂખે વિરાટને તેનો સ્ટેપ શીખવ્યો હતો.વિરાટના ઘૂંટણ પર પાટો બાંધેલો હતો છતાં તેણે થોડી કોશિશ કરી હતી. બંને વચ્ચે મજાક-મસ્તીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સને પસંદ આવી રહ્યો છે.
બંનેને સાથે જોઈને ફેન્સ ખુશ
વિરાટ અને શાહરૂખનો ઈડન ગાર્ડનમાં બ્રોમેન્સ જોઈને એક યૂઝરે લખ્યું, “KKRએ મેચ જીતી અને શાહરૂખ ખાને દિલ જીતી લીધું.” શાહરૂખ અને વિરાટ બંને દિલ્હીના છે ત્યારે તેમને તસવીર જોઈને એક ફેને લખ્યું, “દિલ્હીના છોકરાઓ.” વળી, કેટલાય ફેન્સે લખ્યું કે, ‘બે કિંગ્સ એકસાથે’.
ગત મેચમાં કોહલીએ ફટકાર્યા 21 રન
જણાવી દઈએ કે, મેચમાં વિરાટ કોહલી ખાસ કમાલ નહોતો દેખાડી શક્યો. તેણે 18 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 21 રન ફટકાર્યા હતા અને આઉટ થયો હતો. સુનીલ નરેનની ગૂગલી પર વિરાટ કોહલી આઉટ થયો હતો. તેના સિવાય ફાફ ડુ પ્લેસિસે 23 રન, મિચેલ બ્રેસવેલે 19 રન, આકાશદીપે 17 રન અને ડેવિડ વિલીએ 20 રન ફટકાર્યા હતા. આ સિવાય એકપણ ખેલાડી ડબલ ડિજિટમાં રન નહોતો ફટકારી શક્યો.