મહેલા જયવર્દનેનો રેકોર્ડ તોડી નાંખ્યો
કોહલીએ જ્યારે પોતાનો 16 રન નોંધાવ્યો હતો તે સાથે જ ટી20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રનો નોંધાવનારો બેટર બની ગયો હતો. તેણે શ્રીલંકાના દિગ્ગજ મહેલા જયવર્દનેના રેકોર્ડને તોડી નાંખ્યો હતો. જયવર્દનેએ ટી20 વર્લ્ડ કપમાં 1016 રન નોંધાવ્યા હતા. વર્તમાન ટી20 વર્લ્ડ કપમાં ચાર મેચમાં કોહલીની આ ત્રીજી અડધી સદી છે. જયવર્દનેએ 31 ઈનિંગ્સમાં 1016 રન નોંધાવ્યા હતા. જ્યારે કોહલીએ વર્લ્ડ કપમાં પોતાની 23મી ઈનિંગ્સમાં જ આ રેકોર્ડ તોડી નાંખ્યો છે. કોહલીએ ટી20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી 13 અડધી સદી ફટકારી છે.
2014ના વર્લ્ડ કપમાં રહ્યો હતો ટોપ સ્કોરર
કોહલીએ અત્યાર સુધી પાંચ ટી20 વર્લ્ડ કપ રમ્યા છે જેમાં 2014માં તે ટોપ સ્કોરર રહ્યો હતો. આ પાંચ ટી20 વર્લ્ડ કપમાં કોહલીએ 88.75ની એવરેજ અને 132.46ની સ્ટ્રાઈક રેટ સાથે રન નોંધાવ્યા છે. ટી20 વર્લ્ડ કપ અગાઉ કોહલીનું ફોર્મ અત્યંત ચિંતાજનક હતું. ત્રણ વર્ષ જેટલા સમયથી તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી શક્યો ન હતો. જોકે, એશિયા કપમાં તેણે અફઘાનિસ્તાન સામે સદી ફટકારીને પોતાનું ફોર્મ પરત મેળવી લીધું હતું. આ તેની આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં પ્રથમ સદી હતી. ત્યારબાદ મેલબોર્નમાં પાકિસ્તાન સામે 82 રનની યાદગાર મેચવિનિંગ ઈનિંગ્સ રમીને કોહલીએ દેખાડી દીધું હતું કે તે ફોર્મમાં પરત ફર્યો છે.
ટી20 વર્લ્ડકપ, ઈન્ટરનેશનલ ટી20 અને આઈપીએલમાં કોહલી ટોચ પર
વિરાટ કોહલી ટી20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન નોંધાવનારો બેટર બની ગયો છે. આ ઉપરાંત કોહલી આંતરરાષ્ટ્રીય ટી20 અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં પણ સૌથી વધુ રન નોંધાવનારો બેટર છે. આંતરરાષ્ટ્રીય ટી20માં કોહલીએ અત્યાર સુધી 3932 રન નોંધાવ્યા છે. જ્યારે આઈપીએલમાં તેના નામે 6624 રન છે.