વન-ડેમાં સચિનનો મોટો રેકોર્ડ જોખમમાં
વન-ડે ક્રિકેટમાં સચિન તેંડુલકરનો એક મોટો રેકોર્ડ હવે જોખમમાં આવી ગયો છે. વિરાટ કોહલી હવે વન-ડેમાં સૌથી વધુ સદી ફટકારવાના સચિન તેંડુલકરના રેકોર્ડથી ફક્ત પાંચ સદી દૂર છે. સચિને વન-ડેમાં 452 ઈનિંગ્સમાં 49 સદી ફટકારી છે. જ્યારે કોહલીએ અત્યાર સુધીમાં 257 ઈનિંગ્સમાં 45 સદી ફટકારી છે. આમ હવે કોહલી સચિનના આ રેકોર્ડને તોડવા માટે આગળ વધી રહ્યો છે.
વર્ષની પ્રથમ વન-ડે સદી કોહલીના નામે
વર્ષ 2023ની શરૂઆત સાથે ઘણી બધી ટીમો રમી રહી છે. જેમાં ટેસ્ટમાં પ્રથમ સદી ન્યૂઝીલેન્ડના ડેવોન કોનવેએ ફટકારી હતી. કોનવેએ પાકિસ્તાન સામેની ટેસ્ટમાં સદી ફટકારી હતી. જ્યારે ટી20માં પ્રથમ સદી સૂર્યકુમાર યાદવના નામે રહી છે. સૂર્યકુમાર યાદવે શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી સીરિઝમાં સદી ફટકારી હતી. જ્યારે વન-ડેની પ્રથમ સદી વિરાટ કોહલીના નામે રહી છે. કોહલીએ શ્રીલંકા સામે સદી ફટકારી છે.
એક્ટિવ પ્લેયર્સમાં સૌથી વધુ સદીમાં કોહલી જ કિંગ
સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદીનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિને 100 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. ત્યારબાદ વિરાટ કોહલીનો નંબર આવે છે. હાલમાં રમી રહ્યા હોય તેવા ખેલાડીઓમાં સૌથી વધુ સદી કોણે ફટકારી છે તેના આંકડા જોતા કોહલી ખરા અર્થમાં કિંગ સાબિત થાય છે. કોહલીએ 73 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરનો નંબર આવે છે. જેણે 45 સદી ફટકારી છે. આમ કોહલી અને વોર્નર વચ્ચેના સદીઓના અંતરથી જ સ્પષ્ટ થાય છે કે કેમ કોહલીને કિંગ કહેવામાં આવે છે. વોર્નર બાદ 44 સદી સાથે ઈંગ્લેન્ડનો જો રૂટ ત્રીજા, 42 સદી સાથે ઓસ્ટ્રેલિયાનો સ્ટિવ સ્મિથ ચોથા અને 41 સદી સાથે રોહિત શર્મા 41માં ક્રમે છે.