વિરાટ કોહલીએ દેખાડ્યા મૂવ્સ
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટર વિરાટ કોહલી ડાન્સનો ઘણો જ શોખીન છે. તે મેદાન પર ડાન્સ કરવાની એક પણ તક જતી કરતો નથી. શુક્રવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન-ડે રમાઈ હતી. આ મેચ દરમિયાન કોહલી મેદાનમાં નાટૂ-નાટૂના ડાન્સ સ્ટેપ્સ કરતો જોવા મળ્યો હતો. સ્લિપમાં ફિલ્ડિંગ માટે ઊભેલા કોહલીએ નાટૂ-નાટૂના સ્ટેપ્સ કર્યા હતા. તેનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો જ વાયરલ થયો છે.
બેટિંગમાં કોહલી નિષ્ફળ રહ્યો હતો
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વન-ડેમાં કોહલીનું બેટ શાંત રહ્યું હતું. કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે અમદાવાદમાં રમાયેલી ચોથી અને અંતિમ ટેસ્ટમાં સદી ફટકારતા 186 રનની ઈનિંગ્સ રમી હતી. કોહલીએ 2019 બાદ પ્રથમ વખત ટેસ્ટ સદી ફટકારી હતી. મુંબઈમાં ભારત સામે 189 રનનો લક્ષ્યાંક હતો. જેમાં ભારતની શરૂઆત ઘણી જ ખરાબ રહી હતી. ભારતે 39 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. કોહલી ફક્ત ચાર રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. જોકે, લોકેશ રાહુલ અને રવિન્દ્ર જાડેજાની લાજવબા બેટિંગની મદદથી ભારતે મેચ પાંચ વિકેટે જીતી લીધી હતી.
ભારતની શાનદાર બોલિંગ, લોકેશ રાહુલ ઝળક્યો
ભારતે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ઓપનર મિચેલ માર્શે 81 રનની તોફાની ઈનિંગ્સ રમી હતી. જોકે, ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમી સામે બાકીના ઓસ્ટ્રેલિયન બેટર્સ નિષ્ફળ રહ્યા હતા અને ટીમ 188 રનમાં ઓલ-આઉટ થઈ ગઈ હતી. ભારતની શરૂઆત પણ ખરાબ રહી હતી પરંતુ લોકેશ રાહુલે શાનદાર રમત દાખવતા અણનમ 75 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે રવિન્દ્ર જાડેજાએ પણ અણનમ 45 રન નોંધાવ્યા હતા. જેના કારણે ભારતે પાંચ વિકેટે વિજય નોંધાવીને ત્રણ મેચની સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.