જોકે, આ અંગે કોઈ સ્પષ્ટતા નથી કે હકિકતમાં વિરાટ કોહલીનો ફોન ખોવાઈ ગયો છે કે પછી તેણે કોઈ મોબાઈલ બ્રાન્ડના પ્રમોશન માટે ટ્વિટ કરી છે. ફોન ખોવાઈ ગયો હોવાની ટ્વિટ સિવાય કોહલીએ અન્ય કોઈ પણ પ્રકારની જાણકારી આપી નથી. જોકે, કોહલીના આ ટ્વિટ પર ફેન્સે પણ જાતજાતની પ્રતિક્રિયા આપી છે. એક ટ્વિટર યુઝરે લખ્યું હતું કે, ચલો, આ બહાને રમત પર તમારું ધ્યાન જશે. અન્ય એક યુઝરે લખ્યું હતું કે, નવો ફોન ખરીદવા માટે રૂપિયાની ખોટ છે?
બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝની તૈયારીમાં લાગ્યો છે કોહલી
વિરાટ કોહલીએ ગત વર્ષે યુએઈમાં રમાયેલા એશિયા કપ દ્વારા પોતાનું ફોર્મ પરત મેળવી લીધું છે. એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે સદી ફટકારી હતી. કોહલીએ ત્રણ વર્ષના લાંબા ગાળા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી હતી. જ્યારે વર્ષના અંતે બાંગ્લાદેશ વિરુદ્ધ વન-ડેમાં પણ તેણે સદી ફટકારી હતી. ત્યારબાદ કોહલીએ શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઘરઆંગણે રમાયેલી સિરીઝમાં પણ સદી ફટકારી હતી. આમ કોહલી હાલમાં શાનદાર ફોર્મમાં છે.
જોકે, હજી સુધી ટેસ્ટમાં કોહલી પાસેથી સદીની આશા રાખવામાં આવી રહી છે. કોહલી પાસે હવે 9 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ટેસ્ટમાં પણ સદીના દુષ્કાળનો અંત લાવવાની તક છે. આ સિરીઝ ઘરઆંગણે રમાઈ રહી છે તેથી કોહલી પાસે ચોક્કસથી સદીની આશા રાખવામાં આવી રહી છે. કોહલી હાલમાં આ સિરીઝ માટેની તૈયારીઓ કરી રહ્યો છે. આમ પણ ઓસ્ટ્રેલિયા સામે કોહલી ઘણો સફળ રહ્યો છે અને ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે રમવાનું છે તેથી તેની પાસેથી અપેક્ષાઓ વધી ગઈ છે.