વન-ડેમાં સૌથી વધુ સદીનો સચિનનો રેકોર્ડ તોડવાથી ત્રણ સદી દૂર છે કોહલી
વિરાટ કોહલીની વન-ડે ક્રિકેટમાં શ્રીલંકા સામે 10મી સદી છે. તે કોઈ એક ટીમ સામે સૌથી વધુ સદી ફટકારનારો ખેલાડી પણ બની ગયો છે. વિરાટે વેસ્ટ ઈન્ડીઝ સામે 9 અને સચિન તેંડુલકરે ઓસ્ટ્રેલિયા સામે 9 સદી ફટકારી છે. વિરાટની આ પોતાના વન-ડે ક્રિકેટના કરિયરમાં 46મી સદી છે. જ્યારે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેની 74મી સદી છે. તેણે ચોથી વખત વન-ડેમાં 150 કે તેથી વધુનો આંકડો પાર કર્યો. વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. 463 મેચ રમનારા સચિને 49 સદી ફટકારી છે. હવે વિરાટ કોહલી તેમનાથી માત્ર 3 સદી દૂર છે. ચાર સદી ફટકારતા જ વિરાટ વન-ડે ક્રિકેટમાં 50 સદી લગાવનારો દુનિયાનો પહેલો બેટ્સમેન બની જશે.
શુભમન ગિલે ફટકારી કરિયરની બીજી સદી
શ્રીલંકા સામે ત્રીજી વન-ડેમાં રોહિત શર્મા સાથે ઓપનિંગમાં ઉતરેલા શુભમન ગિલે 97 દડામાં 116 રન બનાવ્યા હતા. આ તેના કરિયરની બીજી સદી છે. ગિલે પોતાની આ સદી બનાવવા દરમિયાન 11 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. શુભમન ગિલે લાહિરુ કુમારાની એક ઓવરમાં ચાર દડામાં ચાર ચોગ્ગા ફટકારી શ્રીલંકાની ટીમમાં સોંપો પાડી દીધો હતો. લાહિરુ કુમારાની આ ઓવરમાં કુલ 23 રન આવ્યા હતા. જેમાં પહેલા દડે રોહિત શર્માએ છગ્ગો ફટકાર્યો હતો અને બીજા દડે સિંગલ રન લઈ સ્ટાઈક ગિલને આપી હતી. તે પછી ગિલે સળંગ ચાર દડામાં ચાર ચોગ્ગા ફટકારી દીધા હતા. ગિલ અત્યાર સુધીમાં 18 વન-ડે રમ્યો છે, જેમાં તે બે સદી અને 5 સદી ફટકારી ચૂક્યો છે. શુભમન ગિલ પહેલી 17 વન-ડે ઈનિંગ્સમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન હતો. તેણે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો હતો.
રોહિત શર્માએ તોડ્યો ડિવિલિયર્સનો રેકોર્ડ
આ મેચમાં રોહિત શર્માએ પણ એક રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. રોહિતે આ મેચમાં 42 રન ફટકાર્યા હતા. જેમાં તેણે 3 છગ્ગા અને 2 ચોગ્ગા માર્યા હતા. રોહિતે પહેલો છગ્ગો માર્યો તેની સાથે તે સૌથી વધુ વન-ડે રન બનાવવાના મામલે 17મા સ્થાને પહોંચી ગયો. તેણે દક્ષિણ આફ્રિકાના એબી ડીવિલિયર્સ (9577 રન)ને પાછળ છોડ્યો. ભારતીય કેપ્ટનના 231 ઈનિંગ્સમાં 9596 રન થઈ ગયા છે. તેણે આ રન 48.71ની સરેરાશ અને 89.9ની સ્ટ્રાઈક રેટથી બનાવ્યા છે.