ગૌતમ ગંભીરને એક ઉત્તમ ઓપનર બેટ્સમેન તરીકે ઓળખવામાં આવે છે. એટલું જ નહીં 2011ના વર્લ્ડ કપની ફાઈનલમાં તેણે રમેલી લાજવાબ ઈનિંગ્સ પણ ક્રિકેટ પ્રેમીઓ ભૂલ્યા નથી. પરંતુ તેની સાથે જ તે તેની આક્રમકતા માટે પણ જાણીતો છે. ક્રિકેટના મેદાન પર ગંભીર હરીફ ટીમના ખેલાડીઓ પર દબાણ લાવવાનું ક્યારેય ચૂક્યું નથી.
આવું જ કંઈક વર્ષ 2016માં પણ બન્યું હતું. તે આઈપીએલ સિઝનમાં પૂણે સુપરજાયન્ટ્સ તરફથી રમતા મહેન્દ્ર સિંહ ધોની સામે ગંભીરે તેની સામે ટેસ્ટ મેચ જેવી ફિલ્ડિંગ લગાવીને બધાને ચોંકાવી દીધા હતા. આ વાતનો ખુલાસો ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઈરફાન પઠાણે કર્યો હતો. લખનૌ અને ચેન્નઈ વચ્ચેની મેચ દરમિયાન એક કાર્યક્રમ દરમિયાન ઈરફાને કહ્યું હતું કે, ‘ભારતીય ક્રિકેટ ટીમમાં મહેન્દ્ર સિંહ ધોનીનું સ્થાન અલગ છે. જોકે, જો આપણે ગૌતમ ગંભીર વિશે વાત કરીએ, તો તે ધોનીના ઈગોને પણ પડકારવામાં પાછળ રહ્યો નથી.
ઈરફાન પઠાણે કહ્યું હતું કે, ‘ગૌતમ ગંભીર એકમાત્ર એવો ખેલાડી છે જેણે ધોનીના ઈગોને પડકાર્યો હતો. 2016ની IPLમાં મને યાદ છે કે ગંભીરે ધોની સામે ટેસ્ટ જેવી ફિલ્ડિંગનો ઉપયોગ કર્યો હતો. તે વર્ષે હું ધોનીની ટીમ પૂણે સુપરજાયન્ટ્સમાં પણ હતો. ઈરફાન પઠાણે કહ્યું હતું કે, ‘ગંભીર પણ પોતાના પ્લાનમાં સફળ રહ્યો. જ્યારે મેં ધોનીને પહેલીવાર જોયો ત્યારે તે અંદરથી પરેશાન હતો. જોકે હું ધોનીને જેટલો જાણું છું, તે હંમેશા શાંત અને મસ્ત રહે છે, પરંતુ ગંભીરે તેને પરેશાન કરી દીધો હતો.