વિરાટને રન બનાવવામાં ફાંફાં કેમ પડ્યા
તાજેતરમાં વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. પરંતુ તે ઈનિંગની શરૂઆતમાં એક એક રન કરવા માટે વલખા મારી રહ્યો હતો. શુભમન ગિલ પણ કઈ ખાસ નહોતો કરી શક્યો અને તે આઉટ થયો પછી વિરાટ કોહલી ક્રિઝ પર આવ્યો હતો. કોહલી માટે બ્રેથવેટે એવી શાનદાર ફિલ્ડિંગ ગોઠવી કે તેણે રનથી પોતાનું ખાતુ ખોલવા માટે 20 બોલનો વેઈટ કરવો પડ્યો હતો.
2 સ્લિપ, પોઈન્ટ અને ગલીમાં ફસાયો કોહલી
જ્યારે કેમાર રોચે શુભમન ગિલને આઉટ કર્યો ત્યારપછીથી કોહલી મેદાનમાં આવ્યો હતો. વિરાટ કોહલી બીજા બોલનો સામનો કરવા મેદાન પર પહોંચ્યો ત્યાં સુધીમાં ફિલ્ડરોને બે સ્લિપ, પોઈન્ટ, કવર અને ગલીમાં કેપ્ટને તૈનાત કરી દીધા હતા. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલની શાનદાર બેટિંગથી પરેશાન, કેરેબિયનો કોહલીને કોઈપણ કિંમતે પેવેલિયન ભેગો કરવા માગતા હતા. વોરિકન અને રોચ તેને સતત લેન્થ અને ફુલ લેન્થ બોલથી અઘરા સવાલો પૂછી રહ્યા હતા.
રોચ અને વોરિકનને હટાવ્યા ને કોહલીએ ફટકાબાજી શરૂ કરી
જ્યારે 42મી ઓવરમાં બોલર બદલાયો ત્યારે વિરાટ કોહલીએ ચોગ્ગા સાથે ખાતું ખોલાવ્યું હતું. અલઝારી જોસેફની ઓવરનો ચોથો બોલ કોહલીએ બાઉન્ડ્રી લાઇનની બહાર ફેંક્યો હતો. આ પછી પણ કોહલી રોકાયો નહીં. તેણે બીજી ઓવરમાં અલઝારીને ચોગ્ગો ફટકાર્યો. જ્યારે રોચ બોલિંગ કરવા આવ્યો ત્યારે તેની સામે પણ આક્રમક વલણ રાખી કોહલીએ ચોગ્ગા છગ્ગા ફટકાર્યા હતા. બીજા દિવસની રમતના અંત સુધીમાં કોહલીએ 161 બોલમાં અણનમ 87 રન બનાવ્યા હતા. તેણે અત્યારસુધી 8 ચોગ્ગા ફટકાર્યા છે. હવે ભારતીય ક્રિકેટ ચાહકોને આશા છે કે તે સદી ફટકારીને આ મેચને યાદગાર બનાવશે.