કોહલીએ 72મી સદી ફટકારી પોન્ટિંગનો રેકોર્ડ તોડી નાંખ્યો
કોહલીએ બાંગ્લાદેશ સામે સદી ફટકારી જે તેની 72મી આંતરરાષ્ટ્રીય સદી છે. આ સાથે જે તેણે પોન્ટિંગના 71 આંતરરાષ્ટ્રીય સદીના રેકોર્ડને તોડી નાંખ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકારી છે. આ યાદીમાં 72 સદી સાથે કોહલી બીજા ક્રમે આવી ગયો છે. 71 સદી સાથે રિકી પોન્ટિંગ ત્રીજા અને 62 સદી સાથે શ્રીલંકાનો કુમાર સંગાકરા ચોથા ક્રમે છે. પાંચમાં ક્રમે સાઉથ આફ્રિકાનો લિજેન્ડી ઓલ-રાઉન્ડર જેક્સ કાલિસ છે જેણે 62 સદી ફટકારી છે.
સચિનનો વન-ડેમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ તોડવાથી છ સદી દૂર
વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિને વન-ડેમાં 49 સદી ફટકારી છે. જ્યારે બાંગ્લાદેશ સામેની સદી કોહલીની 44મી વન-ડે સદી છે. હવે તે વન-ડેમાં સૌથી વધુ સદી ફટકારવાના સચિનના રેકોર્ડને તોડવાથી ફક્ત છ સદી દૂર છે. આ યાદીમાં ત્રીજા ક્રમે રિકી પોન્ટિંગ છે જેણે 30 સદી ફટકારી છે. જ્યારે રોહિત શર્માએ 29 અને સનથ જયસૂર્યાએ 28 સદી ફટકારી છે.
કોહલીએ છેલ્લે ઓગસ્ટ 2019માં વન-ડે સદી ફટકારી હતી
છેલ્લા ત્રણ વર્ષ કોહલીની કારકિર્દીના સૌથી ખરાબ વર્ષ રહ્યા હતા. આ દરમિયાન તે એક પણ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી શક્યો ન હતો. અંતે તેણે આ વર્ષે ઓગસ્ટમાં રમાયેલા એશિયા કપ ટી20માં અફઘાનિસ્તાન સામે સદી ફટકારીને પોતાનું ફોર્મ પરત મેળવ્યું હતું. આ ટી20માં કોહલીની પ્રથમ સદી હતી. ત્યારબાદ તેણે ટી20 વર્લ્ડ કપમાં છ મેચમાં 296 રન ફટકાર્યા હતા અને ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન નોંધાવનારો બેટર બન્યો હતો. જોકે, તેણે વન-ડેમાં પોતાની છેલ્લી સદી ઓગસ્ટ 2019માં ફટકારી હતી. કોહલીએ 14 ઓગસ્ટ 2019માં પોર્ટ ઓફ સ્પેનમાં રમાયેલી વન-ડેમાં વેસ્ટ ઈડિઝ સામે 114 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. ત્યારબાદ તેણે છેક ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશ સામે વન-ડે સદી ફટકારી છે.