વિરાટે રિપોર્ટ્સને ગણાવ્યા ખોટા
મીડિયામાં વહેતા થયેલા અહેવાલો બાદ 34 વર્ષીય વિરાટ કોહલીએ સોશિયલ મીડિયાના માધ્યમથી કમાણી અંગેના રિપોર્ટ્સને ખોટા ગણાવ્યા છે. વિરાટે માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પર લખ્યું, “મને જીવનમાં જે કંઈપણ મળ્યું છે તેના માટે હું ઈશ્વરનો આભારી છું પરંતુ મારી સોશિયલ મીડિયા થકી થતી કમાણી વિશે જે સમાચાર ફરતા થયા છે તેમાં કોઈ તથ્ય નથી.”
લિસ્ટમાં 14મા ક્રમે હતો વિરાટ
હોપર HQના રિપોર્ટમાં સૌથી અમીર ઈન્સ્ટાગ્રામ સેલિબ્રિટીઝ અને એક પોસ્ટ માટે તેઓ કેટલા રૂપિયા લે છે તેની વિગતો લખવામાં આવી હતી. આ લિસ્ટમાં દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ટોચ પર હતો. તે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરવા માટે 3,234,000 ડોલર (26.8 કરોડ રૂપિયા) ચાર્જ કરતો હોવાનો ઉલ્લેખ હતો. જે બાદ ફૂટબોલર લિયોનલ મેસ્સીનું નામ હતું. હોપર HQના કહેવા પ્રમાણે પ્રત્યેક સ્પોન્સર પોસ્ટ માટે તે 2,597,000 ડોલર (21 કરોડ રૂપિયા) લે છે. વિરાટ કોહલી આ લિસ્ટમાં ટોપ 25માં સ્થાન પામનારો એકમાત્ર ભારતીય હતો. તે 14મા ક્રમે હતો.
વિરાટ કેટલીય મોટી બ્રાન્ડ્સનો એમ્બેસેડર છે
જોકે, હવે વિરાટ કોહલીએ આ અહેવાલને ખોટા ગણાવ્યા છે. હોપર HQના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, વિરાટ એક સ્પોન્સર પોસ્ટ માટે 1,384,000 ડોલર (11.45 કરોડ રૂપિયા) લે છે. માનવામાં આવે છે કે આ બધા વિજ્ઞાપનો દ્વારા વિરાટ ધૂમ કમાણી કરે છે. 2020માં ફોર્બ્સની યાદીમાં દુનિયાના સૌથી વધુ કમાણી કરતાં એથલીટ્સની યાદીમાં સામેલ થનારો એકમાત્ર ભારતીય વિરાટ હતો. વિરાટના બ્રાન્ડના વર્તમાન પોર્ટફોલિયોમાં પ્યૂમા, એચએસબીસી, ઓ’ ઓશન બેવરેજીસ, વીવો ઈન્ડિયા સહિત કેટલીય બ્રાન્ડ સામેલ છે.