આ ખેલાડીએ ટીમમાં કમબેકનું મન બનાવ્યું
વર્ષ 2021થી ટીમ ઈન્ડિયાની બહાર રહેલા મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ KKR માટે મેચ વિનિંગ પરફોર્મન્સ આપ્યું હતું. તેણે પોતાની બોલિંગ દરમિયાન 3.4 ઓવર નાંખી અને 4 વિકેટ લીધી હતી. વરુણે છેલ્લી વખત 2021 વર્લ્ડ કપમાં ભારત માટે બોલિંગ કરી હતી. આ મેચમાં RCBના કેપ્ટન ડુપ્લેસી (23 રન)ને વરુણ ચક્રવર્તીએ પેવેલિયન મોકલ્યો હતો. ત્યારબાદ ઇનિંગની 8મી ઓવરમાં વરુણે બેવડો ઝટકો આપ્યો હતો. તેણે બીજા બોલ પર ગ્લેન મેક્સવેલ (5) અને ચોથા બોલ પર હર્ષલ પટેલ (0)ની વિકેટ લીધી હતી. તેણે છેલ્લી વિકેટ આકાશદીપ (17)ના રૂપમાં લીધી હતી.
વરુણ વર્લ્ડ કપમાં ફ્લોપ થતા ટીમમાંથી બહાર
તમને જણાવી દઈએ કે વરુણ ચક્રવર્તીએ 2021માં શ્રીલંકા વિરૂદ્ધ ડેબ્યૂ કર્યું હતું, ત્યારબાદ તેને 2021 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે રમવાની તક પણ મળી હતી. વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં વરુણ ચક્રવર્તીએ પણ ઘણા રન બનાવ્યા હતા, જે બાદ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. હવે એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે પરંતુ વરુણને ટીમમાં તક મળી નથી.
આ સિઝન વરુણ માટે કરો અથવા મરો સમાન
વરુણના આઈપીએલ કરિયરની વાત કરીએ તો તે અત્યાર સુધી આઈપીએલમાં 43 મેચ રમી ચૂક્યો છે અને તેના નામે 43 વિકેટ છે. જોકે, IPL 2022 વરુણ માટે ખૂબ જ ખરાબ હતું. તેણે રમેલી 11 મેચમાં માત્ર 6 વિકેટ લીધી હતી, પરંતુ આ સિઝનમાં તેની પાસે શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયામાં વાપસી કરવાની સારી તક છે.