મક્કમ શરૂઆત બાદ ઓસ્ટ્રેલિયાને ઉપરા-ઉપરી ઝટકા
ટોસ જીતીને પ્રથમ બેટિંગ માટે ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે મક્કમ શરૂઆત કરી હતી. ટ્રેવિસ હેડ અને ઉસ્માન ખ્વાજાની ઓપનિંગ જોડીએ 61 રનની ભાગીદારી નોંધાવી હતી. અશ્વિને ટ્રેવિસ હેડને આઉટ કરીને ટીમને પ્રથમ સફળતા અપાવી હતી. ટ્રેવિસ હેડ 44 બોલમાં 32 રન ફટકારીને આઉટ થયો હતો. ત્યારબાદ મોહમ્મદ શમીએ માર્નસ લાબુશેનને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને બીજો મોટો ઝટકો આપ્યો હતો. લાબુશેન ફક્ત ત્રણ રન જ નોંધાવી શક્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 72 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, ઉસ્માન ખ્વાજાએ એક છેડો જાળવી રાખ્યો હતો.
ઉસ્માન ખ્વાજાની લાજવાબ સદી
ઉસ્માન ખ્વાજાએ મક્કમતાથી ભારતીય બોલર્સનો સામનો કર્યો હતો. તેણે પહેલા સ્ટીવ સ્મિથ અને બાદમાં કેમેરોન ગ્રીન સાથે મહત્વની ભાગીદારી નોંધાવી હતી. સ્ટીવ સ્મિથે 135 બોલનો સામનો કર્યો હતો અને 38 રન નોંધાવીને રવિન્દ્ર જાડેજાના બોલ પર બોલ્ડ થયો હતો. પીટર હેન્ડસ્કોબ 17 રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. બાદમાં ઉસ્માન ખ્વાજાને કેમેરોન ગ્રીનનો મજબૂત સાથ મળ્યો હતો. આ જોડીએ 85 રનની અતૂટ ભાગીદારી નોંધાવી છે. આ દરમિયાન ઉસ્માન ખ્વાજાએ પ્રથમ દિવસની અંતિમ ઓવરના પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. તેણે 251 બોલમાં 15 ચોગ્ગાની મદદથી 104 રન નોંધાવ્યા છે અને તે હજી રમતમાં છે. જ્યારે કેમેરોન ગ્રીન 49 રને રમતમાં છે. ભારત માટે મોહમ્મદ શમીએ બે તથા રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિને એક-એક વિકેટ ખેરવી હતી.