16 જાન્યુઆરીએ પ્રકાશિત થયેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે યુસૈન બોલ્ટે 2012માં જમૈકાની ઈન્વેસ્ટમેન્ટ કંપની SSLમાં એકાઉન્ટ ખોલાવ્યું હતું. જોકે, ત્યારબાદ તેણે એક પણ રૂપિયો ઉપાડ્યો ન હતો. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે વિશ્વના સૌથી ઝડપી દોડવીરે આ કંપનીમાં અંદાજીત 10 મિલિયન ડોલર જેટલું રોકાણ કર્યું હતું. જોકે, એક સૂત્રએ મીડિયાને જણાવ્યું હતું કે હાલમાં બોલ્ટના એકાઉન્ટમાં ફક્ત 2,000 ડોલર રૂપિયા જ બચ્યા છે.
માનવામાં આવી રહ્યું છે કે SSLમાં રોકાણ કરનારાઓમાં 30 જેટલા લોકો આ છેતરપિંડીનો ભોગ બન્યા છે અને બોલ્ટ તેમાંનો એક છે. રિપોર્ટ પ્રમાણે જમૈકન ફાઈનાન્સિયલ સર્વિસિસ કમિશને (FSC) આ માટે તપાસ હાથ ધરી છે અને ઈન્વેસ્ટમેન્ટ કંપની હાલમાં રડારમાં આવી ગઈ છે. બોલ્ટે તેની કારકિર્દી દરમિયાન જે કંઈ પણ કમાણી કરી હતી તેનો મોટો ભાગ ગુમાવી દીધો છે. SSLએ જાહેર કર્યું છે કે તેના અધિકારીઓ આ કૌભાંડ આચરનારાને પકડવામાં નિષ્ફળ રહ્યા છે. કંપનીને તે પણ ખબર ન હતી કે બોલ્ટ પણ આ કૌભાંડનો ભોગ બન્યો છે.
જમૈકાનો યુસૈન બોલ્ટ વિશ્વનો સૌથી ઝડપી દોડવીર છે. તેણે બેઈજિંગ ઓલિમ્પિક્સ 2008, લંડન ઓલિમ્પિક્સ 2012 અને રિયો ઓલિમ્પિક્સ 2016માં 100 મીટર, 200 મીટર અને 4X100 મીટર રિલેમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. બોલ્ટે તેની ઓલિમ્પિક્સ કારકિર્દીમાં કુલ નવ ગોલ્ડ મેડલ જીત્યા છે. બોલ્ટ 100 મીટર અને 200 મીટરમાં વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે.