વરસાદના કારણે મેચ બંધ, પછી 151 રનનો લક્ષ્યાંક મળ્યો
વરસાદના કારણે મેચ અટકાવવી પડી ત્યારે બાંગ્લાદેશે સાત ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 66 રન બનાવ્યા હતા. આ સમયે લિટન દાસ 26 બોલમાં 59 રને રમી રહ્યો હતો જ્યારે નજમુલ હુસેન શાંતોએ સાત રન બનાવ્યા હતા. ડકવર્થ-લુઈસ પદ્ધતિ હેઠળ બાંગ્લાદેશ 17 રનથી આગળ હતું. એટલે કે બાંગ્લાદેશને 9 ઓવરમાં જીતવા માટે 85 રન બનાવવાના હતા.
કેએલ રાહુલે થ્રો માર્યો, લિટન દાસ રન આઉટ
મેચ શરૂ થઈ ત્યારે રોહિત શર્માએ પ્રથમ ઓવર રવિચંદ્રન અશ્વિનને આપી. આ ઓવરના બીજા બોલ પર રન ચોરી કરવાના પ્રયાસમાં કેએલ રાહુલના પાવરફુલ થ્રો પર ખતરનાક લિટન દાસ રનઆઉટ થયો હતો. તે 27 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 60 રન બનાવીને આઉટ થયો ત્યારે ભારતીય છાવણીમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.
અર્શદીપ સિંહની એક ઓવરમાં મેચ પલટાઈ
વધતા દબાણ હેઠળ 11મી ઓવરમાં આવેલા કેપ્ટન શાકિબે બે ચોગ્ગા ફટકાર્યા. ત્યારપછી તેની આગલી જ ઓવરમાં અર્શદી સિંહે પહેલા જ બોલ પર અફિફ હુસૈનને કેચ આઉટ કરાવ્યો અને ટીમ ઈન્ડિયાને ત્રીજી સફળતા મળી હતી. અર્શદીપની આ ઓવરના 5માં બોલ પર કેપ્ટન શાકિબે (13) પણ મોટો શોટ રમવાની ભૂલ કરી અને બાકીનું કામ દીપક હુડ્ડાએ પૂર્ણ કર્યું.
હાર્દિક પંડ્યાએ પણ બેનો શિકાર કર્યો
13મી ઓવરમાં આવેલા હાર્દિક પંડ્યાએ પણ દબાણનો ફાયદો ઉઠાવ્યો અને બે વિકેટ લઈને મેચને પલટાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઓવરના બીજા બોલ પર તેણે યાસિર અલીને એક રનના અંગત સ્કોર પર અર્શદીપના હાથે કેચ કરાવ્યો, પછી 5માં મોસાદ્દક હુસૈન (3)ને બોલ્ડ કર્યો. આ પછી બાંગ્લાદેશ સંપૂર્ણ દબાણમાં આવી ગયું.
છેલ્લી બે ઓવરનો રોમાંચ
છેલ્લા 12 બોલમાં બાંગ્લાદેશને 31 રનની જરૂર હતી અને 15મી ઓવરમાં તસ્કીન અહેમદે હાર્દિકને ચોગ્ગા અને છગ્ગા ફટકારીને મેચમાં રોમાંચ લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે મેચ જીતવામાં નિષ્ફળ રહ્યો હતો. બાંગ્લાદેશને છેલ્લા 6 બોલમાં 20 રન બનાવવાના હતા, જ્યારે અર્શદીપ સિંહના હાથમાં બોલ હતો. નુરુલ હસને બીજા બોલ પર સિક્સર ફટકારી ત્યારે મેચ રોમાંચક બની હતી. જ્યારે તેણે 5માં બોલ પર ચોગ્ગો ફટકાર્યો ત્યારે જીતનું માર્જિન 7 રનનું થઈ ગયું હતું. હવે તેને છેલ્લા બોલે જીતવા માટે 7 રનની જરૂર હતી. અર્શદીપ સિંહે જબરદસ્ત બોલ નાખ્યો અને નુરુલ સિક્સર મારી શક્યો નહીં. ભારત તરફથી હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહે બે-બે વિકેટ લીધી હતી જ્યારે એક વિકેટ મોહમ્મદ શમીના નામે રહી.
ભારતીય ઇનિંગ્સનો રોમાંચ
આ પહેલા વિરાટ કોહલીનું શાનદાર પ્રદર્શન જારી રહ્યું હતું અને તેની અણનમ અડધી સદીની મદદથી ભારતે બાંગ્લાદેશ સામે 6 વિકેટે 184 રન બનાવ્યા હતા. કોહલીએ 44 બોલમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 64 રન ઉમેર્યા હતા. બાંગ્લાદેશ તરફથી કોઈ બોલર પાસે તેના શાનદાર સ્ટ્રોકનો કોઈ જવાબ નહોતો. અહીંની પિચ પર્થ કરતા ધીમી હતી, જેના પર પાવરપ્લે બાદ બાંગ્લાદેશના બોલરો દબાણમાં આવી ગયા હતા.
કેપ્ટન રોહિત શર્માએ નિરાશ કર્યા
કેએલ રાહુલ 31 બોલમાં 50 રન બનાવીને ફોર્મમાં પરત ફર્યો હતો. કોહલીએ બીજી વિકેટ માટે રાહુલ સાથે 67 રન અને ત્રીજી વિકેટ માટે સૂર્યકુમાર યાદવ સાથે 38 રનની ભાગીદારી કરી હતી. ICC T20 બેટ્સમેન રેન્કિંગમાં નંબર વન રેન્કિંગમાં રહેલા યાદવે 15 બોલમાં 30 રન બનાવ્યા હતા. ભારતીય કેપ્ટન રોહિત શર્માને તસ્કીન અહેમદની બોલ પર પહેલી જ ઓવરમાં જીવનદાન મળ્યું હતું પરંતુ તે તેનો ફાયદો ઉઠાવી શક્યો ન હતો અને સાત બોલમાં બે રન બનાવીને આઉટ થયો હતો.
કેએલ રાહુલની તોફાની બેટિંગ
શાકિબે ચાર ઓવરમાં 33 રન આપીને રાહુલ અને સૂર્યાની વિકેટ લીધી પરંતુ તસ્કીન બાંગ્લાદેશનો સર્વશ્રેષ્ઠ બોલર રહ્યો. ડાબા હાથના ઝડપી બોલર શરીફુલ ઇસ્લામ અને હસન મહમૂદ અનુક્રમે 57 અને 47 રન આપીને ખર્ચાળ સાબિત થયા હતા. ઈસ્લામને કોઈ વિકેટ મળી ન હતી જ્યારે મહમૂદે ત્રણ વિકેટ લીધી હતી. છેલ્લી ત્રણ મેચમાં ખરાબ ફોર્મના કારણે ટીકાનો ભોગ બનેલા રાહુલે તોફાની બેટિંગ કરી હતી. તેણે પ્રથમ 21 રન બનાવવા માટે 20 બોલ રમ્યા પરંતુ પાવરપ્લે પછી તેણે હાથ ખોલ્યા અને બે શાનદાર સિક્સર ફટકારી.
વિરાટ વધુ એક ફિફ્ટી
શરીફુલની નવમી ઓવરમાં 24 રન થયા અને ભારતીય બેટ્સમેનોનો દબદબો રહ્યો. રાહુલના આગામી 29 રન દસ બોલમાં આવ્યા. તે 31 બોલમાં 50 રન બનાવીને આઉટ થયો હતો અને મુસ્તફિઝુર રહેમાને તેને શાકિબની બોલ પર કેચ કરાવ્યો હતો. બીજી વિકેટની ભાગીદારીમાં 35 બોલમાં 67 રન બન્યા. બીજા છેડે, કોહલીએ તસ્કીનને બે ચોગ્ગા અને મુસ્તફિઝુરને ચોગ્ગા ફટકાર્યા હતા. સૂર્યાએ ટૂંકી પરંતુ આક્રમક ઇનિંગ્સ રમી હતી પરંતુ શાકિબની બોલ પર વિકેટ ગુમાવી દીધી હતી. બીજા છેડે હાર્દિક પંડ્યા (5), દિનેશ કાર્તિક (7) અને અક્ષર પટેલ (7) કોઈ સપોર્ટ આપી શક્યા ન હતા. જો કે, રવિચંદ્રન અશ્વિને છ બોલમાં અણનમ 13 રન બનાવ્યા હતા.