34 વર્ષીય ઓપનિંગ બેટ્સમેને ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ યૂ-ટર્ન કર્યો હતો. જોકે હવે આના એક મહિના પછી ઢાકામાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના વરિષ્ઠ અધિકારીઓ સાથે તેણે બેઠક કરી હતી અને ત્યારપછી ઈન્જરીની સમસ્યાને કારણે તેણે નવા નિર્ણયની જાહેરાત કરી દીધી હતી. નોંધનીય છે કે તમીમે બેઠક પછી કહ્યું કે મેં BCCIના અધિકારીઓને સૂચના આપી દીધી કે આજથી બાંગ્લાદેશ વનડે ટીમના કેપ્ટન તરીકે હું પદભાર છોડી રહ્યો છું. મારી ઈન્જરીના કારણે હું આ જવાબદારી નથી લેવા માગતો.
PMએ વિનંતી કરી કે કેપ્ટન બનેલા રહો
તમિમે કહ્યું- મેં હંમેશા ટીમ વિશે પહેલા વિચાર્યું છે. ટીમની સુધારણા માટે (મેં વિચાર્યું) મારે કેપ્ટનશિપ છોડી દેવી જોઈએ અને એક ખેલાડી તરીકે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને જ્યારે પણ મને તક મળે ત્યારે મારું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરવો જોઈએ. તેમણે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને પણ તેમના નિર્ણય વિશે જાણ કરી હતી અને તેમણે સ્વીકારી લીધી છે. તમિમે જુલાઈમાં તાજેતરની હોમ સિરીઝ દરમિયાન તમામ પ્રકારના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ હસીનાની વિનંતી પર એક દિવસ પછી પોતાનો નિર્ણય પાછો લઈ લીધો હતો.
ઈન્જરી પછી તેણે આરામ લીધો
અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની ODI શ્રેણીની પ્રથમ મેચમાં તેની ટીમની 17 રને હાર બાદ તેણે આંતરરાષ્ટ્રીય નિવૃત્તિની ઘોષણા કરતાં અનુભવી ઓપનર રડી પડ્યો હતો. બીસીબી પ્રમુખ નઝમુલ હસને જાહેરમાં તમીમની ટીકા કરી હતી. તમિમે સ્વીકાર્યું કે તે 100 ટકા ફિટ નથી, છતાં તેણે અફઘાનિસ્તાન સામે મેચ રમી હતી. હસીનાએ બીજા દિવસે તમીમ અને નજમુલને પોતાના નિવાસસ્થાને આમંત્રિત કર્યા અને ક્રિકેટરને પોતાનો વિચાર બદલવા માટે પ્રોત્સાહિત કર્યો. જો કે, તમિમ અફઘાનિસ્તાન સામેની બાકીની બે વન-ડે ચૂકી ગયો હતો અને ઈજામાંથી બહાર આવવા માટે તેણે છ સપ્તાહનો વિરામ લીધો હતો.
ન્યૂઝીલેન્ડ સિરીઝથી તે ઉપલબ્ધ રહેશે
તમીમ સિરીઝમાંથી બહાર થયા પછી, ઓપનર લિટન દાસે બાકીની અફઘાનિસ્તાન વનડેમાં બાંગ્લાદેશનું નેતૃત્વ કર્યું હતું. બીસીબીના ક્રિકેટ ઓપરેશનના વડા જલાલ યુનિસે જણાવ્યું હતું કે તમીમની ઈજા સંપૂર્ણ રીતે ઠીક થઈ નથી. જલાલે કહ્યું- ડોક્ટરોએ સૂચવ્યું છે કે તેના માટે એશિયા કપમાં રમવું શક્ય નહીં બને. તે ન્યુઝીલેન્ડ સીરીઝ અને વર્લ્ડ કપ માટે ઉપલબ્ધ રહેશે. ઈજામાંથી બહાર આવવા માટે તેને તમામ પ્રકારનો સપોર્ટ આપવામાં આવશે.
7 ઓક્ટોબરે વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત
બીસીબીના અધિકારીએ કહ્યું કે નવા વનડે કેપ્ટનનું નામ યોગ્ય સમયે નક્કી કરવામાં આવશે. એશિયા કપમાં રમ્યા બાદ બાંગ્લાદેશ સપ્ટેમ્બરના અંતમાં ત્રણ વનડે માટે ન્યુઝીલેન્ડની યજમાની કરશે. તેઓ 7 ઓક્ટોબરે ધર્મશાલામાં અફઘાનિસ્તાન સામે ભારતમાં વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે.