મેથ્યુ હેડનને જ્યારે સેમિફાઈનલ મેચ પછી પૂછાયું કે, તે ફાઈનલ માટે કયા પ્રતિદ્વંદીને પસંદ કરશે, તો તેમણે કહ્યું કે, ‘હું ફાઈનલમાં ભારત સામે રમવાનું પસંદ કરીશ, કેમકે તે ઘણો જોવાલાયક મુકાબલો હશે.’
ભારત અને ઝિમ્બાબ્વે સામે ગ્રુપ સ્ટેજમાં હાર પછી પાકિસ્તાન પર ટૂર્નામેન્ટમાંથી ફેંકાઈ જવાનો ખતરો મંડરાઈ રહ્યો હતો, પરંતુ નસીબે સાથ આપ્યો હતો. દક્ષિણ આફ્રિકાને નેધરલેન્ડે હરાવી દેતા પાકિસ્તાનને સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ થવાની તક મળી ગઈ. તે પછી તેણે બાંગ્લાદેશને હરાવી સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો.
પાકિસ્તાને ત્રીજી વખત ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. પાકિસ્તાન 2007માં રમાયેલી ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત સામે હારી ગયું હતું. જ્યારે બે વર્ષ પછી તેણે આ કપ જીત્યો હતો. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન હેડને ફાઈનલમાં આવનારી ટીમને ચેતવણી આપતા કહ્યું કે, તેમના બોલિંગ આક્રમણે હજુ સુધી પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન નથી કર્યું. હેડને કહ્યું કે, ‘આજની રાત ઘણી વિશેષ હતી. ફાસ્ટ બોલિંગ આક્રમણે શાનદાર કામ કર્યું. મને નથી લાગતું કે, ટૂર્નામેન્ટમાં હજુ સુધી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, જે (ફાઈનલમાં) અમારો સામનો કરનારા માટે સૌથી ડરામણી બાબત હશે.’