શ્રીલંકાની ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તેના પક્ષમાં માત્ર આ જ વાત રહી હતી. તે પછી નામીબિયાના બેટ્સમેનોએ શ્રીલંકાના બોલરોની બરાબરની ધોલાઈ કરી. શ્રીલંકાએ બંને ઓપનરોને જલદી આઉટ કરી દીધા હતા, પરંતુ તે પછી જેન ફ્રીલિંગે 28 દડામાં 4 ચોગ્ગા સાથે 44 રન ફટકારી દીધા. તે પછી સ્મિથએ મોર્ચો સંભાળ્યો અને માત્ર 16 દડામાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 31 રન ફટકાર્યા.
નામીબિયાએ પોતાની 5 વિકેટ 91 રનમાં ગુમાવી હતી, પરંતુ 13 ઓવર પછી તેના બેટ્સમેનોએ જબરજસ્ત ફટકાબાજી કરતા ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી દીધો. ચમીરાની બોલિંગ સૌથી વધુ ઝૂડાઈ હતી. તેની ઓવરમાં 39 રન ગયા હતા. જ્યારે પ્રમોદ મદુશનને બે વિકેટ મળી હતી.
નામીબિયાએ શ્રીલંકાને જીત માટે 164 રનનો ટાર્ગેટ આપ્યો હતો. શ્રીલંકાની ટીમને આશા હતી કે, નામીબિયાના ઓછા અનુભવી બોલરો સામે તે સરળતાથી આ ટાર્ગેટ પાર કરી લેશે, પરંતુ એવું ન થયું. નાબીબિયાના બોલરોએ શરૂઆતથી જ શ્રીલંકાના બેટ્સમેનોને ખુલીને રમવા દીધા ન હતા. તેનું પરિણામ એ રહ્યું કે, શ્રીલંકાના માત્ર 4 બેટ્સમેને જ ડબલ ફીગરમાં રન બનાવી શક્યા.
શ્રીલંકાના કેપ્ટન દશુન શ્નાકાએ સૌથી વધુ 29 રન બનાવ્યા. ભુનકા રાજપક્ષાએ 20 રન, ધનંજય ડી સિલ્વાએ 12 રન અને મહેશ તીક્ષ્ણાએ અણનમ 11 રન બનાવ્યા હતા. બીજી તરફ ડેવિડ વીસ, બર્નાડ, શિકોંગો અને જે ફ્રીલિંગએ 2-2 વિકેટ ઝડપી શ્રીલંકાની બેટિંગની કમર તોડી નાખી હતી.