લોકેશ રાહુલ અને વિરાટ કોહલીની અડદી સદી
બાંગ્લાદેશે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ભારત માટે સુકાની રોહિત શર્મા અને લોકેશ રાહુલની જોડી ઓપનિંગમાં આવી હતી. સુકાની રોહિત શર્મા બે રન નોંધાવીને આઉટ થયો હતો. જોકે, પ્રથમ ત્રણ મેચમાં ફ્લોપ રહેલા રાહુલે આ મેચમાં ધમાકેદાર ઈનિંગ્સ રમી હતી અને અડધી સદી ફટાકરી હતી. આ ઉપરાંત તેણે વિરાટ કોહલી સાથે 105 રનની ભાગીદારી નોંધાવી હતી. જોકે, અડધી સદી નોંધાવ્યા બાદ તે આઉટ થઈ ગયો હતો. તેણે 32 બોલમાં ત્રણ ચોગ્ગા અને ચાર સિક્સર સાથે 50 રનની ઈનિંગ્સ રમી હતી.
રાહુલના આઉટ થયા બાદ કોહલીએ સૂર્યકુમાર યાદવ સાથે મળીને ઈનિંગ્સને આગળ ધપાવી હતી. કોહલીએ અંત સુધી એક છેડો જાળવી રાખ્યો હતો. જ્યારે સૂર્યકુમાર યાદવે પણ તોફાની અંદાજમાં બેટિંગ કરી હતી. સૂર્યકુમારે 16 બોલમાં 30 રન ફટકાર્યા હતા જેમાં ચાર ચોગ્ગા સામેલ હતા. જ્યારે કોહલી અંત સુધી નોટઆઉટ રહ્યો હતો. કોહલીએ 44 બોલમાં આઠ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 64 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. જ્યારે અશ્વિને અણનમ 13 રનનું યોગદાન આપ્યું હતું. બાંગ્લાદેશ માટે હસન મહેમૂદે ત્રણ અને શાકિબ અલ હસને બે વિકેટ ઝડપી હતી.
લિટન દાસની તોફાની અડધી સદી, વરસાદના વિઘ્ન બાદ ભારતે પલટી બાજી
બાંગ્લાદેશ સામે 185 રનનો લક્ષ્યાંક હતો. નજમુલ હુસૈન શાન્ટો અને લિટન દાસની જોડી ઓપનિંગમાં આવી હતી. લિટન દાસે શરૂઆતથી જ આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી. તેણે ફક્ત 21 બોલમાં જ અડધી સદી ફટકારી દીધી હતી. બાંગ્લાદેશની ઈનિંગ્સની સાત ઓવર પૂરી થઈ ત્યારે વરસાદ આવ્યો હતો. જો વરસાદના કારણે ત્યારપછી મેચ ન રમાઈ હોત તો બાંગ્લાદેશ જીતી ગયું હોત કેમ કે તે ડકવર્થ લૂઈસ પ્રમાણે ત્યારે 17 રનથી આગળ હતું. જોકે, વરસાદ બંધ થયા બાદ રમત ફરીથી શરૂ થઈ હતી અને બાંગ્લાદેશ સામે 16 ઓવરમાં 151 રનનો લક્ષ્યાંક આવ્યો હતો.
વરસાદ બાદ ભારતીય બોલર્સ ત્રાટક્યા હતા. લિટન દાસ રન આઉટ થયો હતો અને ભારતને પ્રથમ સફળતા મળી હતી. લિટન દાસે 27 બોલમાં સાત ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી 60 રન ફટકાર્યા હતા. જ્યારે શાન્ટોએ 21 રનનું યોગદાન આપ્યું હતું. વિકેટકીપર નરૂલ હસને અંતિમ ઓવર્સમાં આક્રમક બેટિંગ કરીને મેચને અંતિમ ઓવર્સ સુધી ખેંચી હતી. અંતિમ બોલ સુધી બાંગ્લાદેશ પાસે મેચ બચાવવાની તક હતી પરંતુ અર્શદીપ સિંહે ભારતને પાંચ રને રોમાંચક વિજય અપાવ્યો હતો. હસને 14 બોલમાં 25 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે તાસ્કિન અહેમદે અણનમ 12 રન ફટકાર્યા હતા. ભારત માટે અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાએ બે-બે તથા મોહમ્મદ શમીએ એક વિકેટ ઝડપી હતી.