કોની સાથે ટકરાશે ટીમ ઈન્ડિયા?
ભારતીય ટીમ હજી સુધી સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ નથી. જોકે, રોહિત શર્માની ટીમનું સેમિફાઈનલમાં પહોંચવું લગભગ સુનિશ્ચિત છે. ભારતીય ટીમે ચાર મેચ રમી છે જેમાંથી ત્રણ મેચમાં વિજય નોંધાવીને છ પોઈન્ટ સાથે તે ગ્રુપ-2માં ટોચના સ્થાને છે. જ્યારે સાઉથ આફ્રિકા પાસે પાંચ પોઈન્ટ છે. સાઉથ આફ્રિકા અંતિમ મેચમાં નેધરલેન્ડ્સનો સામનો કરશે. ટીમોના સ્તરને જોતાં ભારત અને સાઉથ આફ્રિકાનો વિજય લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. જો આવું થશે તો ભારતીય ટીમ ગ્રુપ-2માં પ્રથમ સ્થાને અને સાઉથ આફ્રિકા બીજા ક્રમે રહેશે.
ટી20 વર્લ્ડ કપ 2022માં સેમિફાઈનલમાં ગ્રુપ-1ની નંબર એક ટીમનો સામનો ગ્રુપ-2ની નંબર-2 ટીમ સામે થશે. જ્યારે ગ્રુપ-2ની નંબર-1 ટીમનો સામનો ગ્રુપ-1ની નંબર-2 ટીમ સામે થશે. તેથી જો ભારતીય ટીમ ટોચ પર રહે છે તો તેનો સામનો ઈંગ્લેન્ડ સામે થઈ શકે છે. ટુર્નામેન્ટની પ્રથમ સેમિફાઈનલ 9 નવેમ્બરે સિડનીમાં રમાશે. જ્યારે બીજી સેમિફાઈનલ 10 નવેમ્બરે એડિલેડના મેદાનમાં રમાશે.
શ્રીલંકા સામે ઈંગ્લેન્ડનો આસાન વિજય
ગ્રુપ-1માં ઈંગ્લેન્ડની અંતિમ મેચ શ્રીલંકા સામે હતી. આ મેચના પરિણામ પર ઓસ્ટ્રેલિયાના ભાવિનો આધાર હતો. જોકે, ઈંગ્લેન્ડનો વિજય થતાં ઓસ્ટ્રેલિયા ટી20 વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગયું હતું. ઈંગ્લેન્ડને શાનદાર બેટિંગ કરતાં શ્રીલંકાને ચાર વિકેટ પરાજય આપ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકન ટીમે 141 રન નોંધાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડે વિસ્ફોટક શરૂઆત કરી હતી. જોકે, ઓપનિંગ જોડી આઉટ થયા બાદ ઈંગ્લેન્ડની બેટિંગ લાઈનઅપ થોડી ડગમગી ગઈ હતી. પરંતુ બેન સ્ટોક્સે એક છેડો જાળવી રાખ્યો હતો અને અંતિમ ઓવરમાં ટીમને વિજય અપાવ્યો હતો. બેન સ્ટોક્સ 44 રન નોંધાવીને નોટ-આઉટ રહ્યો હતો.