આઈસીસી દ્વારા નવ ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી હતી જે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ માટેની રેસમાં છે. જેમાં ભારતીય સ્ટાર બેટર વિરાટ કોહલી (Virat Kohli) પણ સામેલ છે. કોહલી ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન નોંધાવનારો ખેલાડી છે. તેણે 296 રન નોંધાવ્યા છે. આ યાદીમાં સૂર્યકુમાર યાદવ, પાકિસ્તાની ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદી, ઈંગ્લેન્ડનો ઓલ-રાઉન્ડર સેમ કરન, ઈંગ્લેન્ડના ઓપનર્સ જોસ બટલર અને એલેક્સ હેલ્સ, ઝિમ્બાબ્વે ઓલ-રાઉન્ડર સિકંદર રઝા અને શ્રીલંકન ઓલ-રાઉન્ડર વાનિન્દુ હસારંગાનો સમાવેશ થાય છે.
જોસ બટલરે જણાવ્યું હતું કે, હું સૂર્યકુમાર યાદવને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ ગણું છું. સૂર્યકુમાર યાદવે એકદમ મુક્તમને બેટિંગ કરી હતી. ભારતીય ટીમમાં સ્ટાર ખેલાડીઓની ભરમાર છે અને તેમાં તેણે ધ્યાન આકર્ષક પ્રદર્શન કર્યું હતું. નોંધનીય છે કે સૂર્યકુમાર યાદવ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન નોંધાવનારા ખેલાડીઓમાં ત્રીજા ક્રમે છે. તેણે 189.68ની સ્ટ્રાઈક રેટ સાથે 239 રન નોંધાવ્યા છે. છ ઈનિંગ્સમાં તેણે ત્રણ અડધી સદી ફટકારી છે.
બીજી તરફ પાકિસ્તાની સુકાની બાબર આઝમે તેના સાથી ખેલાડી ઓલ-રાઉન્ડર શાદાબ ખાનને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ ગણાવ્યો હતો. તેણે પાકિસ્તાનને ફાઈનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ટુર્નામેન્ટમાં તેણે 10 વિકેટ ઝડપી છે. જ્યારે સાઉથ આફ્રિકા સામેની મહત્વની મેચમાં 52 રનની ઈનિંગ્સ પણ રમી હતી.