સોમવારે ટી20 વર્લ્ડ કપની વોર્મ અપ મેચ પહેલા એક ચેનલના કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયામાં ટી20 બેટર તરીકે કોહલીના રેકોર્ડને હાઈલાઈટ કરવામાં આવ્યો હતો. ત્યારે કાર્યક્રમના પ્રેઝન્ટરે ગૌતમ ગંભીરને પૂછ્યું હતું કે ટુર્નામેન્ટમાં કોહલીએ કેવા માઈન્ડસેટ સાથે રમવું જોઈએ. ત્યારે ગંભીરે કહ્યું હતું કે ભારતીય ટીમના ભૂતપૂર્વ સુકાનીએ ફક્ત રન નોંધાવવા પર જ ધ્યાન આપવું જોઈએ, રેકોર્ડ્સ બ્રેક કરવા પર નહીં. તેણે ટીમ ઈન્ડિયાને 15 વર્ષ બાદ ટી20 વર્લ્ડ કપ જીતાડવા પર ધ્યાન આપવું જોઈએ.
ગંભીરે કહ્યું હતું કે, કોહલીએ રન નોંધાવવાના માઈન્ડસેટથી જ રમવું જોઈએ. આ સિવાય કોઈ બેટરે અન્ય કોઈ પણ પ્રકારના માઈન્ડસેટ સાથે રમવાની જરૂર નથી. બીજું શું માઈન્ડસેટ હોઈ શકે? એક બેટરનું કામ રન નોંધાવવાનું છે અને બોલરનું કામ વિકેટ લેવાનું છે. રન એવા બનાવો જેનાથી તમારી ટીમ જીતે. રન એવા ન બનાવો કે ફક્ત તમારા રેકોર્ડ્સ જ બને, કે પછી 50 કે 100 થાય. તમે 30 કે 40 રન બનાવો પરંતુ તેનાથી તમારી ટીમ પર અસર પડે અને ટીમનો સ્કોર વધે. જો તમે ટાર્ગેટ પાર પડવા માટે રમો છો ત્યારે એવી રીતે બનો જેથી લોઅર ઓર્ડરના બેટર્સ પરથી દબાણ હટી જાય.
મને વિશ્વાસ છે કે જ્યારે તમે આ રીતે ટુર્નામેન્ટમાં જાઓ છો ત્યારે વ્યક્તિગત રેકોર્ડસને ઘરે મૂકીને જવું જોઈએ. જો તમે ઓસ્ટ્રેલિયા જોઓ છો તો તમારા રેકોર્ડ્સના વિચારો ભારતમાં મૂકીને જવા જોઈએ કેમ કે વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટમાં વ્યક્તિગત રેકોર્ડ્સનું કોઈ મહત્વ નથી. વર્લ્ડ કપ જીતવો જ મહત્વનું છે. જો તમે 500 રન નોંધાવો અને ક્વોલિફાઈ ન કરી શકો તો તે ફક્ત તમારા રેકોર્ડમાં જાય છે.