ભુવનેશ્વર કુમારઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બાબતો ઝડપથી બદલાઈ જાય છે. નવા બોલ સાથે ભુવનેશ્વર કુમાર જસપ્રિત બુમરાહનો શ્રેષ્ઠ જોડીદાર હતો. પરંતુ હવે પરિસ્થિતિ અલગ છે.
સ્ટ્રેન્થઃ નવા વ્હાઈટ બોલને સ્વિંગ કરાવી શકે છે અને અંદર આવતા બોલ દ્વારા બેટર્સને તકલીફમાં મૂકી શકે છે. આ ઉપરાંત તે અનુભવી બોલર છે.
વીકનેસઃ ડેથ ઓવર્સમાં તે ઘણો મોંઘો રહ્યો છે અને તેની બોલિંગનું આકલન પણ સરળતાથી થઈ જાય છે. જેના કારણે તેનો આત્મવિશ્વાસ ડગી ગયો છે. તેણે ત્રણ અલગ-અલગ મેચમાં 19મી ઓવર કરી હતી જે ભારત માટે ઘણી મોંઘી સાબિત થઈ હતી.
મોહમ્મદ શમીઃ ટી20 વર્લ્ડ કપ માટેની ટીમના 15 ખેલાડીઓમાંથી મોહમ્મદ શમીની બાદબાકી આશ્ચર્યજનક હતી. જોકે, તેને સ્ટેન્ડબાય તરીકે રાખવામાં આવ્યો છે જે ઓસ્ટ્રેલિયા જશે. જોકે, હવે બુમરાહની ગેરહાજરીમાં તેને મુખ્ય ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.
સ્ટ્રેન્થઃ પોતાની ઝડપ દ્વારા બેટર્સને મુશ્કેલીમાં મૂકી શકે છે. ઓસ્ટ્રેલિયાની ઉછાળ ભરેલી પિચો તેની બોલિંગને માફક આવે છે. તે સ્વિંગ પણ કરી શકે છે.
વીકનેસઃ યુએઈમાં ગત ટી20 વર્લ્ડ કપમાં મોહમ્મદ શમીનું પ્રદર્શન અત્યંત નબળુ રહ્યું હતું ખાસ કરીને પાકિસ્તાન સામેના મુકાબલામાં તેણે નિરાશ કર્યા હતા. તેણે ઘણા શોર્ટ બોલ કર્યા હતા અને 3.5 ઓવર્સમાં 43 રન આપી દીધા હતા. જોકે, ઓસ્ટ્રેલિયાની પિચો તેની બોલિંગ માટે અનુકૂળ છે.
અર્શદીપ સિંહઃ પોતાની અત્યાર સુધીની ટી20 કારકિર્દીમાં ડાબોડી ઝડપી બોલર અર્શદીપ સિંહે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. તે નવા બોલને પ્રભાવશાળી રીતે સ્વિંગ કરાવી શકે છે જે તેણે સાઉથ આફ્રિકા સામે રમાયેલી પ્રથમ ટી20માં દેખાડી દીધું હતું.
સ્ટ્રેન્થઃ સ્વિંગવાળી પરિસ્થિતિમાં અર્શદીપ સિંહ ઘાતક સાબિત થઈ શકે છે. પોતાના ફૂલલેન્થ બોલ દ્વારા તે ડેથ ઓવર્સમાં રન ગતિ પર અંકુશ રાખી શકે છે. તે સચોટ યોર્કર ફેંકી શકે છે. ભારતીય ઝડપી બોલિંગ આક્રમણમાં તે વિવિધતા લાવ્યો છે અને તે ઝડપીથી શીખી પણ જાય છે.
વીકનેસઃ ઓસ્ટ્રેલિયામાં બોલિંગ કરવાનો અનુભવ નથી. જ્યારે વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં રમવાનો પણ અનુભવ નથી. ઓસ્ટ્રેલિયન પિચો સ્વિંગ બોલિંગ માટે વધારે મદદરૂપ નથી.
હર્ષલ પટેલઃ બેટર્સને મુશ્કેલીમાં મૂકી શકે તેવો શાનદાર બેકઅપ બોલર છે.
સ્ટ્રેન્થઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી ટી20 સીરિઝ અગાઉ આ વર્ષે તે ભારતનો સૌથી વધુ વિકેટ ઝડપનારો બોલર હતો. ડેથ ઓવર્સ બોલિંગમાં તે સારો વિકલ્પ બની શકે છે. તેની બોલિંગમાં સ્લો બાઉન્સર અને કટર્સ જેવી વિવિધતા છે.
વીકનેસઃ ઓસ્ટ્રેલિયામાં બોલિંગ કરવાનો કોઈ અનુભવ નથી. શરૂઆતમાં રન આપવાના કારણે તેનો આત્મવિશ્વાસ ડગી શકે છે.