આ જીત સાથે જ મુંબઈન ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. મુંબઈ પ્લેઓફમાં સ્થાન મેળવવાની નજીક પહોંચી ગયું છે. આ હાર છતાં ગુજરાત ટાઈટન્સ ટેબલમાં ટોપ પર છે. સૂર્યકુમાર યાદવે તેની ઝંઝાવાતી ઈનિંગ્સથી તમામ લોકોના દિલ જીતી લીધા હતા. તેણે IPLમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી. વર્તમાન સહિત ભૂતપૂર્વ ક્રિકેટર્સ તેની બેટિંગની પ્રશંસા કરી રહ્યા છે. ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલર ઝહીર ખાને તેના વખાણ કરતા કહ્યું હતું કે, અમે જે સુર્યાને જાણીએ છીએ તે પાછો આવ્યો છે અને વધુ સારો થઈ રહ્યો છે. ટુર્નામેન્ટમાં કોઈપણ ટીમ માટે આ સૌથી મહત્વપૂર્ણ સમય છે. અહીંથી પ્લેઓફની દિશા નક્કી કરશે.
તેણે આગળ કહ્યું હતું કે, જ્યારે તમારી પાસે સૂર્યકુમાર હોય, ત્યારે કંઈપણ શક્ય છે. ટીમો મુંબઈ ઈન્ડિયન્સની લાઈન-અપ પર ધ્યાનથી નજર રાખશે. ‘સ્કાય’ નામના આ બેટ્સમેને વાનખેડે સ્ટેડિયમમાં સિક્સર્સનો વરસાદ કર્યો હતો. ભૂતપૂર્વ ભારતીય સ્ટાર સુરેશ રૈના પણ સૂર્યકુમાર યાદવની બેટિંગથી પ્રભાવિત થયો હતો. તેણે કહ્યું હતું કે, તે બોલરના મનથી રમે છે. તેણે જે રીતે બોલને મેદાનની ચોમેર ફટકાર્યો તે પ્રશંસનીય છે.
મિસ્ટર આઈપીએલ તરીકે જાણીતા સુરેશ રૈનાએ કહ્યું હતું કે, તે ફરી એકવાર શાંતિથી બેટિંગ કરી રહ્યો હતો. તેનું વલણ સારું હતું. તેણે 49 બોલમાં અણનમ 103 રન ફટકાર્યા હતા અને બોલને મેદાનની ચારેય બાજુ ફટકાર્યો હતો. બીજી તરફ ગુજરાત ટાઈટન્સ પાસે જીતવાની ઘણી ઓછી તક હતી. તેનો ટોપ ઓર્ડર અને મિડલ ઓર્ડર નિષ્ફળ રહ્યો હતો. રાશિદ ખાને તોફાની અંદાજમાં બેટિંગ કરી હતી પરંતુ તે ટીમને વિજય અપાવવા માટે પૂરતી ન હતી.