એક સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં સુનીલ ગાવસ્કરે કહ્યું હતું કે, તમે આઈપીએલમાં રમો છો. તમે આઈપીએલની આખી સિઝન રમો છો ત્યારે તમે ટ્રાવેલિંગ કરો છો. ફક્ત ગત આઈપીએલ ચાર સેન્ટર્સમાં રમાઈ હતી, તે સિવાય તમારે આઈપીએલની મેચો દરમિયાન વધારે ટ્રાવેલિંગ કરો છો. ત્યારે તમને થાક નથી લાગતો? ત્યાં વર્કલોડ નથી હોતો? ફક્ત જ્યારે ભારત માટે રમવાનું હોય છે, અને તેમાં પણ જ્યારે તમે નોન-ગ્લેમરસ દેશોમાં જાઓ છો ત્યારે તમને વર્કલોડ યાદ આવે છે? આ વાત ખોટી છે.
વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ હવે ભારતને ન્યૂઝીલેન્ડના પ્રવાસે જવાનું છે. 17 નવેમ્બરથી ટી20 સીરિઝની શરૂઆત થશે અને બાદમાં વન-ડે સીરિઝ રમાશે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને લોકેશ રાહુલ જેવા સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. ગાવસ્કરે સ્પષ્ટ કહ્યું છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ખેલાડીઓને આટલી બધી છૂટ આપવી જોઈએ નહીં.
નોંધનીય છે કે રોહિત શર્માની આગેવાનીવાળી ટીમ સેમિફાઈનલ સુધી પહોંચી હતી. પરંતુ સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટીમને 10 વિકેટે કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જોકે, આ દરમિયાન વિરાટ કોહલીનું ફોર્મ યથાવત રહ્યું હતું. કોહલીએ ટુર્નામેન્ટમાં સૌથી વધુ 296 રન ફટકાર્યા હતા. આ ઉપરાંત સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન સારું રહ્યું હતું. આ સિવાય એક પણ બેટર સારું પ્રદર્શન કરી શક્યો ન હતો. ઓપનર લોકેશ રાહુલ અને સુકાની રોહિત શર્મા પણ ફ્લોપ રહ્યા હતા.