Sourav Ganguly Birthday: કેપ્ટનશિપ ગઈ, ટીમથી બહાર; દાદાની એક ભૂલથી કરિયર બરબાદ થઈ ગયું

Sourav Ganguly Birthday: કેપ્ટનશિપ ગઈ, ટીમથી બહાર; દાદાની એક ભૂલથી કરિયર બરબાદ થઈ ગયું


દિલ્હીઃ ઈન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન Sourav Ganguly આજે પોતાનો 51મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સૌરવ ગાંગુલી ઈન્ડિયન ક્રિકેટના ઈતિહાસમાં સૌથી સફળ કેપ્ટનમાંથી એક રહ્યા છે. કરિયરની શરૂઆતમાં તેમણે ઘણા સંઘર્ષનો સામનો કર્યો છે. તે જેટલો સમય કેપ્ટન રહ્યા ત્યાં સુધી કોઈપણ તેમની સામે આંગળી ઉઠાવવા માટે તૈયાર નહોતા. એક ખેલાડી તરીકે તેમણે ટીમમાં પોતાનો મજબૂત દાવો રજૂ કર્યો અને કેપ્ટન પણ બની ગયા હતા. એટલું જ નહીં વિદેશમાં જઈને ઈન્ડિયન ટીમને જીતતા સૌરવ ગાંગુલીએ શિખવાડ્યું હતું. તો પછી એક ભૂલ એવી તો કેવી કરી કે આખી કારકિર્દી જ બરબાદ થઈ ગઈ!

એક વ્યક્તિ પર વિશ્વાસ રાખવો દાદાને ભારે પડ્યો
જોકે, તેની એક નાની ભૂલ અથવા ખોટા વ્યક્તિ પર વિશ્વાસ રાખવો ભારે પડ્યો હતો. આ વ્યક્તિએ ગાંગુલીને બદનામ કરીને ટીમમાંથી બહાર કાઢી નાખ્યો હોવાની ચર્ચાઓ પણ એ સમયે વેગવંતી થઈ હતી. ગ્રેગ ચેપલને ટીમ ઈન્ડિયાનો કોચ બનાવવો એ ગાંગુલીની એક મોટી ભૂલ હતી. આ ઘટના વર્ષ 2004માં બની હતી જ્યારે ભારતીય ટીમ જોન રાઈટ બાદ નવા કોચની શોધમાં હતી. સૌરવ ગાંગુલીએ ગ્રેગ ચેપલને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. તે કેપ્ટન હોવાથી તેની સંમતિને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.

જોકે, બાદમાં એ જ ગ્રેગ ચેપલે ગાંગુલીને ટીમની કેપ્ટનશીપથી હટાવ્યા એટલું જ નહીં, ટીમમાંથી બહારનો રસ્તો પણ બતાવ્યો હતો. આ સમગ્ર વિવાદ વિશે ગાંગુલીએ પોતાના પુસ્તક ‘એ સેન્ચ્યુરી ઈઝ નોટ ઈનફ’માં જણાવ્યું છે. તેમના જન્મદિવસના ખાસ અવસર પર ચાલો જાણીએ સૌરવ ગાંગુલી અને ગ્રેગ ચેપલ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો.

ગાંગુલી 7 દિવસમાં ચેપલથી પ્રભાવિત થયા હતા
સૌરવ ગાંગુલીએ તેમના પુસ્તકમાં ગ્રેગ ચેપલ પરના ઘટનાક્રમ વિશે વિગતવાર લખ્યું છે. તેણે ચેપલ સાથેની મુલાકાત બાદ ટીમ ઈન્ડિયામાં ચાલી રહેલા અણબનાવ અંગે પણ ખુલાસો કર્યો હતો. સૌરવના પુસ્તક મુજબ ડિસેમ્બર 2003માં ભારતીય ટીમ પછી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની હતી. આ પ્રવાસના પાંચ મહિના પહેલા સૌરવ ગાંગુલી ઓસ્ટ્રેલિયા ગયો હતો. અહીં તેની મુલાકાત ગ્રેગ ચેપલ સાથે થઈ હતી.

ચેપલની મદદથી ગાંગુલી એ મેદાન જોવા ગયો હતો જ્યાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ યોજાવાની હતી. ગાંગુલીએ ત્યાંના મેદાન અને પિચનું નિરીક્ષણ કર્યું અને ચેપલ સાથે વ્યૂહરચના તૈયાર કરી હતી. ગાંગુલી ચેપલ સાથે વિતાવેલા માત્ર 7 દિવસમાં જ તેનાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. પછી શું હતું કે ગાંગુલીએ તેને ટીમ ઈન્ડિયાનો કોચ બનાવવાનો નિર્ણય કર્યો હતો.

ગાવસ્કરની વાત સાંભળી ન હતી
જોકે ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કર અને ગ્રેગ ચેપલના ભાઈ ઈયાન ચેપલ તેમના નિર્ણયના વિરોધમાં હતા. બંનેએ ગાંગુલીને કોચ તરીકે ગ્રેગ ચેપલના નામની ભલામણ ન કરવા માટે સમજાવ્યા, પરંતુ તે સંમત ન થયા. ગ્રેગ ચેપલ ટીમના કોચ બન્યા. તે સમયે ગાંગુલીએ કોઈને ચાલવા ન દીધું. તેવામાં ભારતીય ટીમના કોચ બનતા સમયે ગ્રેગ ચેપલ ઉપરાંત ડેવ વોટમોર, ડેસમન્ડ હેન્સ, ટોમ મૂડી, જોન એમ્બરી, મોહિન્દર અમરનાથ જેવા દિગ્ગજ હતા, પરંતુ સૌરવને ગ્રેગ ચેપલ જ કોચ તરીકે જોઈતા હતા.

કેપ્ટનશિપ ગુમાવવાનો વારો આવ્યો
આ પછીના બે વર્ષ ભારતીય ક્રિકેટ માટે કાળા અધ્યાય જેવા રહ્યા હતા. ખેલાડીઓ અને કોચ વચ્ચે આક્ષેપબાજીનો દોર ચાલી રહ્યો હતો. આ હોબાળા બાદ ગ્રેગ ચેપલને તેના કોન્ટ્રાક્ટના સમય પહેલા જ છૂટા કરી દેવાયા હતા. ચેપલ જ નહીં, દાદાને પણ આનો ફટકો પડ્યો હતો. આ તે સમય હતો જ્યારે ટીમ ઈન્ડિયા મોટા ફેરફારમાંથી પસાર થઈ રહી હતી. પરિણામ એ આવ્યું કે ગાંગુલી ટીમમાંથી બહાર થઈ ગયો અને તેને કેપ્ટન્શિપ પણ ગુમાવવી પડી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *