BCCI મીટિંગમાં શું થયું હતું?
ભારતીય ક્રિકેટ બોર્ડમાંથી સૌરવ ગાંગુલીના બિસ્તરા પોટલા બંધાઈ ગયા છે. મુંબઈમાં મંગળવારે BCCIના હેડ ક્વાર્ટર પર દેશના અલગ-અલગ ક્રિકેટ બોર્ડના લોકો એકત્રિત થયા હતા. કોઈ કહેતું હતું ગાંગુલીએ કોલકાતા પાછા જવું પડશે, કોઈએ દિલ્હી કેપિટલ ફ્રેન્ચાઈઝીમાં જવાની વાત કરી હતી, જેના પરથી સ્પષ્ટ થતું હતું કે ગાંગુલી કંઈક ગુમાવવાના છે, જેનો અંદાજ લગભગ તેમને પણ નહોતો. પાછલી કાર્યકારિણીમાં લગભગ તમામ સભ્યોને ફરી તક આપવામાં આવી હતી. જેમાં ગાંગુલી અને સંયુક્ત સચિવ જયેશ જોર્જ નહોતા. સૂત્રોનું કહેવું છે કે ગાંગુલીએ પોતાની નારાજગી છૂપાવવાની કોઈ કોશિશ પણ કરી નથી. જૂના અધ્યક્ષ નવા અધ્યક્ષનું નામ પ્રસ્તાવિત કરે છે, પરંતુ ગાંગુલીએ રોજ બિન્નીના નામનો પ્રસ્તાવ પણ મૂક્યો નહોતો.
સંભવિત નવી કાર્યકારિણી
અધ્યક્ષઃ રોજર બિન્ની
ઉપાધ્યક્ષઃ રાજીવ શુક્લા
સચિવઃ જય શાહ
સંયુક્ત સચિવઃ દેવજીત સૈકિયા
કોષાધ્યક્ષઃ આશીષ શેલાર
IPL ચેરમેનઃ અરુણ સિંહ ધૂમલ
એન શ્રીનિવાનસ ગ્રુપ સામે પડ્યું
BCCI ઓફિસમાં રહેલા એક સભ્યએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, “સૌરવ ગાંગુલ દુઃખી હતા. હતાશ અને નિરાશ પણ હતા. નામાંકન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હેડક્વાર્ટરથી નીકળનારા તેઓ અંતિમ વ્યક્તિ હતા. તેઓ ઝડપથી કારમાં બેસી ગયા હતા. કારના કાચ ચઢાવ્યા અને નીકળી ગયા હતા. નામાંકનના એક દિવસ પહેલા અનૌપચારિક બેઠકોમાં ગાંગુલીને કહેવામાં આવ્યું હતું કે તેમનું પ્રદર્શન આશાઓ પ્રમાણે રહ્યું નથી. ગાંગુલી પોતાના પદ પર યથાવત રહેવા માગતા હતા. પરંતુ તેમને કહેવામાં આવ્યું કે બોર્ડના અધ્યક્ષના મામલે આવું ચલણ નથી. પૂર્વ BCCI અધ્યક્ષ અને હાલના BCCI ટીમના મેન્ટોર એન શ્રીનિવાસન ગાંગુલીની સામે પડેલા લોકોમાં મુખ્ય હતા. દાદા પર આરોપ લગાવાયા કે તેમણે એવી બ્રાન્ડનું સમર્થન કર્યું, જે BCCI ઓફિશિયલ સ્પોન્સર્સના પ્રતિદ્વંદ્ધી હતા. આ મુદ્દો હંમેશા સભ્યોની વચ્ચે ચર્ચાતો રહ્યો હતો. પહેલા પણ ઘણી વખત તેને ઉઠાવવામાં આવ્યો હતો.”
અપમાનનો ઘૂંટડો ગટકાવી ના શક્યા
BCCI અધ્યક્ષ પદથી હટાવ્યા બાદ સૌરવ ગાંગુલીને IPLના ચેરમેનના પદની ઓફર કરવામાં આવી હતી, જોકે, તે એક રીતે દાદાની અધોગતિ હતી. પ્રિન્સ ઓફ કોલકાતાના નામથી લોકપ્રિય સૌરવ ગાંગુલીએ આ પદ લેવાનો ઈનકાર કરી દીધો હતો. તેમનું કહેવું હતું કે BCCIના અધ્યક્ષ બન્યા બાદ તેઓ કોઈ તેનાથી નાની સમિતિના અધ્યક્ષ બનવા માગતા નથી.
ભાજપ પર લાગ્યો ગંદા રાજકારણનો આરોપ
આ ખબરો વચ્ચે પશ્ચિમ બંગાળની સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ ભાજપ પર સૌરવ ગાંગુલીને અપમાનિત કરવાની કોશિશનો આરોપ લગાવ્યો હતો, કારણ કે તેમને પાર્ટીમાં સમાવવામાં નિષ્ફળ રહ્યા હતા. TMCના પ્રવક્તા કૃણાલ ઘોષે કહ્યું કે ભાજપે પાછલા વર્ષે વિધાનસભા ચૂંટણી પહેલા લોકોની વચ્ચે એવો સંદેશ ફેલાવવાની કોશિશ કરી હતી કે ગાંગુલી પ્રાર્ટીમાં જોડાશે. TMCએ એવો પણ દાવો કર્યો કે ‘રાજકીય બદલાની ભાવના’નું એક ઉદાહરણ છે કે કેન્દ્રીય ગૃહમંત્રીના દીકરા જય શાહ બીજા કાર્યકાળ માટે બીસીસીઆઈના સચિવ પદ પર યથાવત રહી શકે છે, પરંતુ ગાંગુલી અધ્યક્ષ પદ પર આમ કરી શકતા નથી. જોકે, ભાજપે આ આરોપોને પાયાવિહોણ ગણાવીને કહ્યું છે કે તેમણે ગાંગુલીને પાર્ટીમાં જોડવાનો પ્રયાસ કર્યો નથી.