આઈસીસી આચર સંહિતાનો અનુચ્છેદ 2.22 સ્લો ઓવર રેટ સંબંધિત છે. ભારતના સુકાની રોહિત શર્માએ પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી જેના કારણે ઔપચારિક સુનાવણીની કોઈ જરૂર રહી ન હતી. મેચમાં ફિલ્ડ અમ્પાયર્સ અનિલ ચૌધરી અને નિતિન મેનન તથા થર્ડ અમ્પાયર કેએન અનંતપદ્મનાભન અને ફોર્થ અમ્પાયર જયરામન મદનગોપાલે ભારતીય ટીમ પર સ્લો ઓવર રેટનો ચાર્જ લગાવ્યો હતો.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ વન-ડે મેચની સિરીઝ રમાઈ રહી છે. પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાઈ હતી જેમાં ન્યૂઝીલેન્ડે અંતિમ ઓવર સુધી લડત આપી હતી પરંતુ અંતે ભારતે 12 રને વિજય નોંધાવ્યો હતો. ભારત માટે ઓપનર શુભમન ગિલે 149 બોલમાં ધમાકેદાર બેટિંગ કરતા 208 રન ફટકાર્યા હતા. આ સાથે તે વન-ડેમાં બેવડી સદી ફટકારનારો સૌથી નાની વયનો ખેલાડી બની ગયો છે. જેની મદદથી ભારતે 8 વિકેટે 349 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે 131 રનના સ્કોર પર છ વિકેટ ગુમાવી દીધી હતી.
જોકે, બાદમાં લોઅર ઓર્ડરના બેટર માઈકલ બ્રાસવેલે તોફાની સદી ફટકારી હતી. બ્રાસવેલે 78 બોલમાં 140 રનની ઈનિંગ્સ રમી હતી. જેમાં તેણે 12 ચોગ્ગા અને 10 સિક્સર ફટકારી હતી. તેણે મિચેલ સેન્ટનર સાથે સાતમી વિકેટ માટે ફક્ત 102 બોલમાં 162 રનની ભાગીદારી નોંધાવી હતી. સેન્ટનરે 45 બોલમાં 57 રન ફટકાર્યા હતા. ભારતે ન્યૂઝીલેન્ડને 337 રન પર ઓલ-આઉટ કરવામાં સફળ રહ્યું હતું.
આ વિજય સાથે ભારતીય ટીમે ત્રણ મેચની સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી વન-ડે 21 જાન્યુઆરીએ રાયપુરમાં રમાશે. છત્તીસગઢની રાજધાનીના શહીદ વીર નારાયણ સિંહ ક્રિકેટ સ્ટેડિયમ પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચની યજમાની કરવા માટે તૈયાર છે.