શુભમન ગિલની રેકોર્ડ બ્રેક બેવડી સદી
ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યા બાદ રોહિત શર્મા અને શુભમન ગિલની જોડી ઓપનિંગમાં આવી હતી. આ જોડીએ 60 રનની ભાગીદારી નોંધાવી હતી. રોહિત શર્મા 34 રન નોંધાવીને આઉટ થયા બાદ ભારતીય ટીમે ઉપરા ઉપરી વિકેટો ગુમાવી દીધી હતી. વિરાટ કોહલી આઠ અને ઈશાન કિશન પાંચ રન નોંધાવીને આઉટ થયા હતા. પરંતુ સામે છેડે શુભમન ગિલે એક છેડો જાળવી રાખ્યો હતો અને આક્રમક અંદાજમાં બેટિંગ કરતાં ભારતની રન ગતિ પણ જાળવી રાખી હતી.
શુભમન ગિલે તાબડતો બેટિંગ કરી હતી અને બેવડી સદી ફટકારી હતી. આ શુભમન ગિલની કારકિર્દીની પ્રથમ બેવડી સદી હતી. શુભમન ગિલ વન-ડેમાં બેવડી સદી ફટકારનારો ભારતનો પાંચમો અને વિશ્વનો આઠમો ક્રિકેટર બન્યો છે. તેની ધમાકેદાર ઈનિંગ્સની મદદથી જ ભારતીય ટીમ મોટો સ્કોર નોંધાવી શકી હતી. તેણે 149 બોલમાં 19 ચોગ્ગા અને 9 સિક્સરની મદદથી 208 રન ફટકાર્યા હતા. આ ઉપરાંત સૂર્યકુમાર યાદવે 31, હાર્દિક પંડ્યાએ 28 અને વોશિંગ્ટન સુંદરે 12 રનનું યોગદાન આપ્યું હતું. ન્યૂઝીલેન્ડ માટે ડેરીલ મિચેલ અને હેન્રી શિપ્લેએ બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે લોકી ફર્ગ્યુસન, ટિકનર અને સેન્ટનરે એક-એક વિકેટ ઝડપી હતી.
ન્યૂઝીલેન્ડનો પરાજય થતાં બ્રાસવેલની તોફાની સદી એળે ગઈ
350 રનના લક્ષ્યાંકને પાર પાડવા માટે ન્યૂઝીલેન્ડને આક્રમક શરૂઆતની જરૂર હતી પરંતુ ટોપ ઓર્ડર ટીમને તેવી શરૂઆત અપાવી શક્યો ન હતો. જ્યારે મિડલ ઓર્ડરના બેટર્સ પણ નિષ્ફળ રહ્યા હતા. ફિન એલન અને ડેવોન કોનવેની ઓપનિંગ જોડીએ 28 રનની ભાગીદારી નોંધાવી હતી. એલન 40 રન તથા કોનવે 10 રનો નોંધાવીને આઉટ થઈ ગયા હતા. જ્યારે હેન્રી નિકોલ્સે 18 અને ડેરીલ મિચેલે નવ રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન ટોમ લાથમ 24 અને ગ્લેન ફિલિપ્સ 11 રન નોંધાવીને આઉટ થયો હતો. ટીમે 131 રનના સ્કોર પર છ વિકેટ ગુમાવી દીધી હતી અને ટીમ ઈન્ડિયા આસાનીથી જીતી જશે તેવું લાગી રહ્યું હતું.
જોકે, લોઅર ઓર્ડરમાં મિચેલ બ્રાસવેલ અને મિચેલ સેન્ટનરની જોડીએ ભારતીય ટીમને મજબૂત લડત આપી હતી. જેમાં બ્રાસવેલે તોફાની અંદાજમાં બેટિંગ કરતાં સદી ફટકારી હતી. તેણે 57 બોલમાં સદી ફટકારી દીધી હતી. બ્રાસવેલ અને સેન્ટનરે 162 રનની જંગી ભાગીદારી નોંધાવીને ટીમના વિજયની આશા જીવંત રાખી હતી. પરંતુ અંતમાં ન્યૂઝીલેન્ડને નિરાશ થવું પડ્યું હતું અને બ્રાસવેલની તોફાની સદી એળે ગઈ હતી. ન્યૂઝીલેન્ડને અંતિમ ઓવરમાં જીતવા માટે 20 રનની જરૂર હતી. જેમાં બ્રાસવેલે શાર્દૂલ ઠાકુરના પ્રથમ બોલ પર સિક્સર ફટકારીને ભારતીય ટીમના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. પરંતુ કમનસીબે ત્યારપછીના બોલ પર તે એલબીડબ્યુ આઉટ થતાં ટીમ ઓલ-આઉટ થઈ ગઈ હતી. બ્રાસવેલ 78 બોલમાં 12 ચોગ્ગા અને 10 સિક્સરની મદદથી 140 રનની ઈનિંગ્સ રમી હતી. ભારત માટે મોહમ્મદ સિરાજે ચાર, કુલદીપ યાદવ અને શાર્દૂલ ઠાકુરે બે-બે તથા મોહમ્મદ શમી અને હાર્દિક પંડ્યાએ એક-એક વિકેટ ઝડપી હતી.