શોએબ અખ્તરે સાઉથ આફ્રિકાની હાર થતા ટીમની મજાક ઉડાવી છે. શોએબે લખ્યું છે કે, “સાઉથ આફ્રિકા આપનો આભાર, તમે બહુ મોટા ચોકર્સ છો, ચોકર એટલા માટે કે તમે પાકિસ્તાનને વધુ એક તક આપી છે. તમારો આભાર.” શોએબ અખ્તરે વિડીયો શેર કર્યો છે તેમાં એમ પણ જણાવ્યું છે કે પાકિસ્તાન ઝિમ્બાબ્વે સામે હાર્યું પછી તેના માટે સેમિફાઈનલમાં જવું લગભગ અશક્ય હતું, પરંતુ ટીમને એક લોટરી મળી છે.
સાઉથ આફ્રિકા હાર્યું પછી પાકિસ્તાને બાંગ્લાદેશ સામેની મેચમાં જીત મેળવીને સેમિફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. ગ્રુપ-2માંથી ભારત અને પાકિસ્તાન તથા ગ્રુપ-1માંથી ન્યૂઝીલેન્ડ અને ઈગ્લેન્ડ સેમિફાઈનલમાં પહોંચ્યા છે. હવે ભારતની ઈંગ્લેન્ડ સામે જ્યારે પાકિસ્તાનની ન્યૂઝીલેન્ડ સામે સેમિફાઈનલમાં ટક્કર થશે અને પછી જે બે ટીમો જીતશે તેમની વચ્ચે 17મીએ રવિવારે ફાઈનલ રમાશે.
આફ્રિદીએ છોડી છાપ
ટોસ જીતીને બેટિંગ માટે ઉતરેલી બાંગ્લાદેશની ટીમે સારી શરુઆત કરી હતી, જેમાં નઝમુલ હુસૈને 48 બોલમાં 54 રન કર્યા હતા. જોકે, આફ્રિદીની તોફાની બોલિંગ સામે બાંગ્લાદેશ 8 વિકેટ પર 127 રન જ કરી શક્યું હતું. જેમાં આફ્રિદીએ 22 રન આપીને 4 વિકેટ લીધી હતી. આ સિવાય સાદાબ ખાને 2 વિકેટ લીધી હતી.
આ લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરેલી પાકિસ્તાની ટીમે ધમી પરંતુ સારી શરુઆત કરી હતી. જેમાં બાબર આઝમે 25 અને મોહમ્મદ રિઝવાને 32 રન બનાવીને વિકેટ ગુમાવી હતી. પહેલી વિકેટ પડી ત્યારે પાકિસ્તાનો સ્કોર 57 રન હતા. આ પછી 52 બોલમાં 66 રનની જરુર હતી ત્યારે યુવા બેટ્સમેન મોહમ્મદ હારિસે 18 બોલમાં 31 રનની મહત્વપૂર્ણ બેટિંગ કરી હતી. જેના કારણે પાકિસ્તાન 11 બોલ બાકી રહેતા જીતી ગયું હતું.
હવે જો સેમિફાઈનલમાં ભારત અને અને પાકિસ્તાનની જીત થાય તો બન્ને ટીમો ફરી એકવાર આમને સામને આવશે અને 2007ની યાદો સાથે ટીમો મેદાનમાં ઉતરશે. સાઉથ આફ્રિકામાં રમાયેલા પ્રથમ T20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં આમને સામને આવ્યા હતા જેમાં અંતિમ ઓવરના 2 બોલ બાકી રહેતા ભારતે મેચ જીતી લીધી હતી.
અગાઉના વર્લ્ડકપ પર એક નજર
આ પછી બીજા T20 વર્લ્ડકપમાં પાકિસ્તાન શ્રીલંકાને હરાવીને ચેમ્પિયન બન્યું હતું. ભારત 2014માં વર્લ્ડકપમાં ફાઈનલમાં પહોંચ્યું હતું પરંતુ શ્રીલંકા સામે હાર થઈ હતી. ભારત પાસે આ વખતે વર્લ્ડકપ જીતવાની તક છે અને ટીમ હોટ ફેવરિટ માનવામાં આવી રહી છે. પાછલા 2021માં રમાયેલા વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ ફાઈનલમાં પહોંચ્યું હતું પરંતુ ઓસ્ટ્રેલિયા સામે તેની હાર થઈ હતી.