કોલકાતાના બોલર્સની ઘાતક બોલિંગ, બેંગલોરના બેટર્સ રહ્યા નિષ્ફળ
205 રનના લક્ષ્યાંકના જવાબમાં વિરાટ કોહલી અને કેપ્ટન ફાફ ડુપ્લેસિસની ઓપનિંગ જોડીએ ટીમને આક્રમક શરૂઆત અપાવી હતી. આ જોડીએ 4.5 ઓવરમાં 44 રનની ભાગીદારી નોંધાવી હતી. જોકે, આ બંને બેટર આઉટ થયા બાદ ટીમનો ધબડકો થયો હતો. કોહલી 18 બોલમાં 21 રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે ફાફ ડુપ્લેસિસ 12 બોલમાં બે ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 23 રન નોંધાવીને આઉટ થયો હતો. માઈકલ બ્રાસવેલ 19 રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. આમ ટોચના ત્રણ બેટરે બે આંકડાનો સ્કોર નોંધાવ્યો હતો. ત્યારબાદ ટીમનો ધબડકો થયો હતો.
ગ્લેન મેક્સવેલ પાંચ, હર્ષલ પટેલ 0, શાહબાઝ અહેમદ એક, દિનેશ કાર્તિક 9, અનુજ રાવત એક અને કર્ણ શર્મા એક રન નોંધાવીને પેવેલિયન ભેગા થયા હતા. લોઅર ઓર્ડરના બેટર ડેવિડ વિલીએ અણનમ 20 રન નોંધાવ્યા હતા જ્યારે આકાશ દીપે 17 રનનું યોગદાન આપ્યું હતું. કોલકાતા માટે વરૂણ ચક્રવર્તીએ લાજવાબ બોલિંગ કરી હતી. તેણે ચાર ઓવરમાં 15 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે યુવાન સ્પિનર સુયશ શર્માએ ચાર ઓવરમાં 30 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. સુનીલ નરૈનને બે તથા શાર્દુલ ઠાકુરને એક સફળતા મળી હતી.
શાર્દુલ ઠાકુરે 20 બોલમાં ફટકારી અડધી સદી, ગુરબાઝ-રિંકુ સિંહની તોફાની બેટિંગ
રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ટોસ જીતીને કોલકાતાને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. જોકે ટીમની શરૂઆત સારી રહી ન હતી. ટીમે 47 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી જ્યારે 89 રનમાં તો તેની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. ઓપનર વેંકટેશ ઐય્યર ત્રણ રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે મનદીપ સિંહ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. કેપ્ટન નિતિશ રાણા એક રન નોંધાવીને આઉટ થયો હતો. આમ ટીમે સસ્તામાં પોતાની ત્રણ મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી.
બાદમાં ઓપનર ગુરબાઝ અને રિંકુ સિંહે બાજી સંભાળી હતી અને ટીમના સ્કોરને આગળ ધપાવ્યો હતો. ગુરબાઝે શાનદાર બેટિંગ કરતા 44 બોલમાં 57 રન નોંધાવ્યા હતા જેમાં છ ચોગ્ગા અને ત્રણ સિક્સર સામેલ હતી. જ્યારે રિંકુ સિંહે 33 બોલમાં બે ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી 46 રન ફટકાર્યા હતા. જોકે, કોલકાતા માટે શાર્દુલ ઠાકુરની તોફાની બેટિંગ આકર્ષણનું કેન્દ્ર રહી હતી. તેણે ફક્ત 20 બોલમાં જ અડદી સદી ફટકારી હતી. તેની ઝંઝાવાતી બેટિંગના કારણે જ કોલકાતાએ 204 રનનો સ્કોર નોંધાવ્યો હતો. તેણે 29 બોલમાં નવ ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી 68 રન ફટકાર્યા હતા. આન્દ્રે રસેલ ખાતું ખોલાવી શક્યો ન હતો. બેંગલોર માટે ડેવિડ વિલી અને કર્ણ શર્માએ બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે સિરાજ, હર્ષલ પટેલ અને બ્રાસવેલને એક-એક સફળતા મળી હતી.