T20 World Cup 2022: શાહીન આફ્રિદીએ પાકિસ્તાન માટે પ્રથમ ઓવર કરી હતી અને પ્રથમ ઓવરમાં જ તે છવાઈ ગયો હતો. પ્રથમ ચાર બોલ પર એક રન આપ્યા બાદ આફ્રિદીએ પાંચમાં બોલ પર ઓપનર રહમાનુલ્લાહ ગુરબાજને યોર્કર કર્યો હતો. ગુરબાજે તેનો સામનો કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો પરંતુ બોલની લાઈનથી તે પોતાનો પગ હટાવી શક્યો ન હતો.
હાઈલાઈટ્સ:
- ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વોર્મ અપ મેચ રમાઈ હતી
- વોર્મ અપ મેચમાં શાહીન આફ્રિદીના યોર્કરથી અફઘાનિસ્તાની ટીમના ઓપનરને ઈજા થઈ હતી
- શાહીન આફ્રિદી હાલમાં જ ઈજામાંથી સાજો થયો છે અને તે ટી20 વર્લ્ડ કપ દ્વારા કમબેક કરશે
પ્રથમ ઓવરમાં જ છવાઈ ગયો આફ્રિદી
શાહીન આફ્રિદીએ પાકિસ્તાન માટે પ્રથમ ઓવર કરી હતી અને પ્રથમ ઓવરમાં જ તે છવાઈ ગયો હતો. પ્રથમ ચાર બોલ પર એક રન આપ્યા બાદ આફ્રિદીએ પાંચમાં બોલ પર ઓપનર રહમાનુલ્લાહ ગુરબાજને યોર્કર કર્યો હતો. ગુરબાજે તેનો સામનો કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો પરંતુ બોલની લાઈનથી તે પોતાનો પગ હટાવી શક્યો ન હતો. જેના કારણે બોલ તેના અંગૂઠા પર વાગ્યો હતો અને તે પીડાથી બૂમ પાડી ઉઠ્યો હતો. પાકિસ્તાની ટીમે એલબીડબલ્યુ માટે અપીલ કરી હતી અને અમ્પાયરે બેટરને આઉટ જાહેર કર્યો હતો.
ગુરબાજને ચાલવામાં પણ પડી હતી મુશ્કેલી
અંગૂઠા પર બોલ વાગ્યા બાદ ગુરબાજ યોગ્ય રીતે ચાલી પણ શકતો ન હતો. ફિઝિયોએ તેને મેદાન પર આવીને જોયો હતો. ત્યારબાદ સાથી ખેલાડીએ તેને પીઠ પર ઉચક્યો હતો અને મેદાનની બહાર લઈ ગયો હતો. તેની ઈજા કેટલી ગંભીર છે તેના પર હજી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જોકે, તેની ઈજા ગંભીર હોય તેવું લાગી રહ્યું છે. ત્યારબાદ આફ્રિદીએ પોતાની બીજી ઓવરમાં ઓપનર હજરતુલ્લાહ જાજાઈને બોલ્ડ કર્યો હતો.
ભારત માટે પણ મુશ્કેલી બન્યો હતો આફ્રિદી
શાહીન શાહ આફ્રિદી રોહિત શર્મા, વિરાટ કોહલી, લોકેશ રાહુલ જેવા બેટર્સથી સજ્જ ભારતીય ટીમ માટે પણ મુશ્કેલી બન્યો હતો. ગત ટી20 વર્લ્ડ કપમાં તેણે ભારત સામે તરખાટ મચાવી દીધો હતો. પ્રથમ ઓવરમાં તેણે યોર્કર કરીને રોહિત શર્માને આઉટ કર્યો હતો. બાદમાં તેણે લોકેશ રાહુલને પણ પેવેલિયન ભેગો કર્યો હતો. આ ઉપરાંત તેણે વિરાટ કોહલીની પણ વિકેટ ઝડપી હતી. 23 ઓક્ટોબરે ટી20 વર્લ્ડ કપમાં ફરીથી ભારત અને પાકિસ્તાન આમને સામને થશે.
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ