સરફરાઝે તમિળનાડુની સામે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં બોલરોની ભારે ધોલાઈ કરી. સરફરાઝની આ રણજી ટ્રોફીમાં 50 ઈનિંગ્સમાં 12મી સદી છે. આ દરમિયાન તે એક વખત ત્રિપલ સેન્ચુરી અને ડબલ સેન્ચુરી પણ લગાવી ચૂક્યો છે. આ ફોર્મેટમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન અણનમ 301, 275 અને અણનમ 226 છે.
સરફરાઝે જેવો જાદૂઈ આંકડો પાર કર્યો, સ્ટેડિયમમાં ઉપસ્થિત તેના સાથી ખેલાડીઓ તેને અભિનંદન આપવા લાગ્યા. આ દરમિયાનનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેની સાથે કમઓન બોય, કમઓન બોય… બોલતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ, સોશિયલ મીડિયા પર ફેન્સ સતત ટ્વિટ કરી રહ્યા છે. કેટલાકે તો તેને ટેસ્ટ ટીમમાં રિષભ પંતની જગ્યાએ સામેલ કરવાની ભલામણ કરી છે.
સરફરાઝે સદી ફટકારી તો, અજિંક્ય રહાણે 42 રન બનાવી આઉટ થઈ ગયો, જ્યારે પૃથ્વી શૉ પણ કંઈ ખાસ કરી શક્યો ન હતો. ઉલ્લેખનીય છે કે, સરફરાઝ એ જ બેટ્સમેન છે, જેની તોફાની બેટિગં જોઈ રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો તત્કાલીન કેપ્ટન વિરાટ કોહલી નતમસ્તક થઈ ગયો હતો. હાલ સરફરાઝ દિલ્હી કેપિટલ્સમાં છે.
ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં એવા ઘણા ખેલાડીઓ થઈ ગયા છે કે જેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રનોના ઢગલા કર્યા હોય, પણ તેમને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન નથી મળ્યું. તેમની ક્રિકેટ કારકિર્દી ડોમેસ્ટિક મેચો રમીને જ પૂરી થઈ ગઈ. સરફરાઝ સાથે પણ એવું ન બને તેની તેના ફેન્સને ચિંતા સતાવી રહી છે અને એટલે જ તેમણે તેને જલદીમાં જલદી રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળે તે માટે અભિયાન શરૂ કરી દીધું છે.