સરફરાઝ ખાન પર થયો મોટો ખુલાસો
મુંબઈ ક્રિકેટ સાથે જોડાયેલા લોકોએ મિડલ ઓર્ડર બેટ્સમેન સરફરાઝ ખાનનો બચાવ કર્યો હતો. સરફરાઝે ગત સિઝનમાં દિલ્હી સામે સદી ફટકાર્યા બાદ ડ્રેસિંગ રૂમ તરફ આંગળી ચીંધીને આક્રમક રીતે ઉજવણી કરી હતી. તેનું આવું વર્તન સારું માનવામાં આવતું ન હતું. સરફરાઝની આ પ્રકારની ઉજવણીને તે સમયે સ્ટેડિયમમાં હાજર પસંદગીકારોમાંથી એક પર કટાક્ષ તરીકે લેવામાં આવી હતી.
શું ચેતન શર્મા ખરેખર સ્ટેડિયમમાં હાજર હતા?
ક્રિકેટરની નજીકના એક સૂત્રએ સોમવારે જણાવ્યું હતું કે, દિલ્હીમાં રણજી મેચ દરમિયાન સરફરાઝની ઉજવણી તેના સાથી ખેલાડીઓ અને કોચ અમોલ મજુમદાર માટે હતી. મજમુદારે સરફરાઝની સદી અને ઉજવણીની પ્રશંસા કરવા માટે તેમની કેપ પણ ઉતારી હતી. તે સમયે સ્ટેડિયમમાં પસંદગીકાર ચેતન શર્મા નહીં પરંતુ સલિલ અંકોલા હતા. સરફરાઝે ટીમને દબાણની પરિસ્થિતિમાંથી બહાર કાઢ્યું અને તેના માટે આ ઉજવણી હતી. સૂત્રએ કહ્યું હતું કે, શું આ પ્રકારે ઉજવણી કરવી ખોટું છે?
ચંદ્રકાંત પંડિતના કેસ પરથી પણ પડદો ઊઠ્યો
સરફરાઝ વિશે એવું પણ કહેવાય છે કે ગયા વર્ષે મધ્યપ્રદેશના તત્કાલિન કોચ ચંદ્રકાંત પંડિત તેના વલણથી ખુશ ન હતા. પરંતુ સૂત્રએ કહ્યું કે પંડિતે હંમેશા તેના પ્રત્યે પ્રેમ દર્શાવ્યો છે. સૂત્રએ કહ્યું હતું કે, ચંદુ સર તેની સાથે હંમેશા પુત્રની જેમ વર્તે છે. સરફરાઝને તે 14 વર્ષનો હતો ત્યારથી ઓળખે છે. તે હંમેશા સરફરાઝના વખાણ કરે છે અને ક્યારેય તેના પર ગુસ્સે થયા નથી.
સરફરાઝની નજીકના લોકો જોકે જાણવા માગે છે કે તેણે ઢગલો રન નોંધાવ્યા હોવા છતાં તેને ભારતીય ટીમમાં કેમ સામેલ કરવામાં નથી આવતો અને શા માટે સતત તેની અવગણના કરવામાં આવી રહી છે. ભારતીય ટીમમાં ફિટનેસ નોર્મ 16.5 (યો યો ટેસ્ટ) છે અને તેણે તે હાંસલ કર્યું છે. જ્યાં સુધી ક્રિકેટની ફિટનેસની વાત છે, તેણે કેટલીકવાર બે દિવસ બેટિંગ કરી છે અને પછી બે દિવસ ફિલ્ડિંગ પણ કરી છે.