ગુજરાતનો નવ વિકેટે આસાન વિજય
ગુજરાત ટાઈટન્સ સામે 119 રનનો આસાન લક્ષ્યાંક હતો જેને શુભમન ગિલ, રિદ્ધિમાન સહા અને કેપ્ટન હાર્દિક પંડ્યાની આક્રમક બેટિંગે વધારે આસાન બનાવી દીધો હતો. રિદ્ધિમાન સહા અને શુભમન ગિલની ઓપનિંગ જોડીએ આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી અને 9.4 ઓવરમાં 71 રનની ભાગીદારી નોંધાવી હતી. ગિલ 35 બોલમાં છ ચોગ્ગાની મદદથી 36 રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે સહા 34 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 41 રન નોંધાવીને નોટઆઉટ રહ્યો હતો. હાર્દિક પડ્યાએ 15 બોલમાં 39 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. જેમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ સિક્સર ફટકારી હતી. રાજસ્થાન માટે એકમાત્ર વિકેટ યુઝવેન્દ્ર ચહલે ઝડપી હતી. ગુજરાતે 13.5 ઓવરમાં એક વિકેટે 119 રન નોંધાવીને મેચ જીતી લીધી હતી.
ગુજરાતના બોલર્સની ઘાતક બોલિંગ સામે રાજસ્થાન રોયલ્સનો ધબડકો
રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. પરંતુ ગુજરાતના બોલર્સની ઘાતક બોલિંગ સામે રાજસ્થાનના બેટર્સ ઘૂંટણીયે પડી ગયા હતા. ટીમ પૂરી 20 ઓવર પણ રમી શકી ન હતી. યશસ્વી જયસ્વાલ અને જોસ બટલરની ઓપનિંગ જોડીએ નિરાશ કર્યા હતા. જયસ્વાલ 14 રન નોંધાવીને આઉટ થયો હતો જ્યારે બટલર આઠ રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. કેપ્ટન સંજૂ સેમસને ટીમ માટે સૌથી વધારે 30 રનની ઈનિંગ્સ રમી હતી. દેવદત્ત પડિક્કલ 12 રન નોંધાવીને આઉટ થયો હતો.
ટીમે 69 રનમાં પોતાની પાંચ મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. રવિચંદ્રન અશ્વિન બે, રિયાન પરાગ ચાર, હેતમાયર સાત અને ધ્રુવ જુરેલ નવ રન નોંધાવીને આઉટ થયો હતો. ટ્રેન્ટ બોલ્ટે 15 રનનું યોગદાન આપ્યું હતું. રાજસ્થાનની ટીમ 17.5 ઓવરમાં 118 રનના સ્કોરે ઓલઆઉટ થઈ ગઈ હતી. ગુજરાત માટે રાશિદ ખાને ત્રણ તથા નૂર અહેમદે બે વિકેટ ઝડપી હતી. જ્યારે શમી, હાર્દિક પંડ્યાઅ અને જોશુઆ લિટલને એક-એક સફળતા મળી હતી.