ઝામ્પા અને અશ્વિનની ફિરકીમાં ફસાયા ચેન્નઈના સુપર કિંગ્સ
ચેન્નઈ સુપર કિંગ્સ સામે 203 રનનો કપરો લક્ષ્યાંક હતો. જોકે, એડમ ઝામ્પા અને રવિચંદ્રન અશ્વિનની સ્પિન બોલિંગ સામે ધોનીસેનાના ધૂરંધરો કંઈ કમાલ કરી શક્યા ન હતા. ઋતુરાજ ગાયકવાડ અને શિવમ દૂબેને બાદ કરતાં કોઈ બેટર મોટી ઈનિંગ્સ રમી શક્યો ન હતો. જેના કારણે ટીમ 20 ઓવરમાં છ વિકેટે 170 રન જ નોંધાવી શકી હતી. ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેની જોડી ટીમને સારી શરૂઆત અપાવી શકી ન હતી. કોનવે આઠ રન નોંધાવીને આઉટ થઈ ગયો હતો. જ્યારે વર્તમાન સિઝનમાં ઘાતક ફોર્મમાં રમી રહેલો અજિંક્ય રહાણે 15 રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો.
જોકે, ઋતુરાજ ગાયકવાડે પ્રભાવશાળી બેટિંગ કરી હતી. તેણે 29 બોલમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 47 રન ફટકાર્યા હતા. અંબાતી રાયડૂ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. શિવમ દૂબેએ આક્રમક અડધી સદી ફટકારીને ટીમને જીતાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં તે સફળ રહ્યો ન હતો. તેણે 33 બોલમાં બે ચોગ્ગા અને ચાર સિક્સરની મદદથી 52 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે મોઈન અલી અને રવિન્દ્ર જાડેજા 23-23 રન નોંધાવીને નોટ-આઉટ રહ્યા હતા. રાજસ્થાન રોયલ્સ માટે એડમ ઝામ્પાએ ત્રણ તથા રવિચંદ્રન અશ્વિને બે વિકેટ ઝડપી હતી. જ્યારે કુલદીપ યાદવે એક વિકેટ પોતાના નામે કરી હતી.
યશસ્વી જયસ્વાલની તોફાની અડધી સદી, રાજસ્થાન રોયલ્સનો જંગી સ્કોર
રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. યશસ્વી જયસ્વાલની આક્રમક અડધી સદીની મદદથી રાજસ્થાને 20 ઓવરમાં પાંચ વિકેટે 202 રનનો સ્કોર નોંધાવ્યો હતો. યશસ્વી જયસ્વાલ અને જોસ બટલરની ઓપનિંગ જોડીએ ટીમને આક્રમક શરૂઆત અપાવી હતી. તેમાં પણ યશસ્વી જયસ્વાલ વધારે આક્રમક રહ્યો હતો. જોસ બટલર સારું રમી રહ્યો હતો પરંતુ તે મોટી ઈનિંગ્સ રમી શક્યો ન હતો. જયસ્વાલ અને બટલરે 8.2 ઓવરમાં 86 રનની ભાગીદારી નોંધાવી હતી. જેમાં બટલરનું યોગદાન 27 રનનું રહ્યું હતું. તેણે 21 બોલની ઈનિંગ્સમાં ચાર ચોગ્ગા ફટકાર્યા હતા.
બટલર આઉટ થયા બાદ પણ જયસ્વાલનું બેટ ધીમું પડ્યું ન હતું. તેણે આક્રક બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. તેણે 43 બોલમાં આઠ ચોગ્ગા અને ચાર સિક્સરની મદદથી 77 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે કેપ્ટન સંજૂ સેમસન 17 અને શિમરોન હેતમાયર આઠ રન નોંધાવીને આઉટ થયા હતા. અંતિમ ઓવર્સમાં ધ્રુવ જુરેલે 15 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 34 રન ફટકાર્યા હતા. જ્યારે દેવદત્ત પડિક્કલે 13 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી અણનમ 27 રનનું યોગદાન આપ્યું હતું. ચેન્નઈ સુપર કિંગ્સ માટે તુષાર દેશપાંડેએ બે તથા તિક્ષના અને રવિન્દ્ર જાડેજાએ એક-એક વિકેટ ઝડપી હતી.