T20 World Cup Ind vs NED: ટી-20 વર્લ્ડ કપમાં નેધરલેન્ડ સામેની મેચમાં રોહિત શર્મા આજે તેના જાણીતા અંદાજમાં બેટિંગ કરતો જોવા મળ્યો. તેણે નેધરલેન્ડના બોલરોની બરાબર ધોલાઈ કરી હતી. નેધરલેન્ડના લોગાન વેન બીકીના એક દડા પર તેણે એવી સિક્સર ફટકારી કે, સામે છેડે ઊભેલો વિરાટ કોહલી તો જોતો જ રહી ગયો. રોહિતે આ મેચમાં 39 દડામાં 53 રન ફટકાર્યા હતા.
હાઈલાઈટ્સ:
- રોહિત શર્માએ પોતાના આગવા અંદાજમાં 39 દડામાં ધમાકેદાર 53 રનની ઈનિંગ્સ રમી હતી.
- તે ટી-20 વર્લ્ડ કપમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો બીજો બેટ્સમેન બની ગયો.
- રોહિતે લોગન વેન બીકીની ઓવરમાં એવો છગ્ગો ફટકાર્યો કે, સામે છેડે ઊભેલો કોહલી પણ જોતો જ રહી ગયો.
મેચમાં રોહિતે 39 દડામાં 53 રનની ઈનિંગ્સ રમી. આ દરમિયાન ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા પણ લગાવ્યા. આ દરમિયાન ઈનિંગ્સની 8મી ઓવરમાં તેણે જે શોટ લગાવ્યો, તેને નોન સ્ટ્રાઈકર એન્ડ પર ઉભેલો વિરાટ કોહલી જોતો જ રહી ગયો. આ ઓવરમાં નેધરલેન્ડના લોગાન વેન બીકી શરૂઆતના ત્રણ દડામાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને ચોંકાવવામાં સફળ રહ્યો, પરંતુ ત્રીજા દડા પછી રોહિતે વેન બીકીને પોતાનું અસલ રૂપ બતાવતા સ્ક્વેયર લોંગ ઓનની દિશામાં જોરદાર છગ્ગો ફટકારી દીધો, જેને જોઈને વિરાટ કોહલી પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયો. રોહિતના આ શોટને જોઈને વિરાટ કોહલીનું જે રિએક્શન હતું તે જોવા જેવું હતું.
જોકે, રોહિત પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં કંઈ ખાસ કમાલ નહોંતો બતાવી શક્યો. આ મેચમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત માત્ર 4 રન બનાવી આઉટ થઈ ગયો હતો, પરંતુ વિરાટ કોહલીની દમદાર બેટિંગની મદદથી ટીમ ઈન્ડિયાએ એ મેચમાં 4 વિકેટે જીત મેળવી હતી.
ટી-20 વર્લ્ડ કપમાં યુવરાજ સિંહને છોડ્યો પાછળ
પોતાની આ દમદાર ઈનિંગ્સની સાથે જ કેપ્ટન રોહિત શર્માએ ભારતના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહને પાછળ છોડી દીધો છે. રોહિતે ભારત માટે અત્યાર સુધીમાં ટી-20 વર્લ્ડ કપમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. આઈસીસીની આ ટૂર્નામેન્ટમાં રોહિતના નામે હવે 34 છગ્ગા ફટકારવાનો રેકોર્ડ નોંધાઈ ગયો છે. આ મામલે તે હવે માત્ર વેસ્ટ ઈન્ડીઝના ક્રિસ ગેઈલથી પાછળ છે. ક્રિસ ગેઈલ ટી-20 વર્લ્ડ કપમાં 63 છગ્ગા ફટકારી ચૂક્યો છે. તો, યુવરાજ સિંહ હવે 33 છગ્ગા સાથે ત્રીજા નંબરે ધકેલાઈ ગયો છે.
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ