રોહિત એવો બેટર છે જેણે વનડેમાં સૌથી વધુ બેવડી સદી ફટકારી છે
રોહિત શર્મા વિશ્વનો એકમાત્ર એવો ક્રિકેટર છે જેણે ODI ક્રિકેટમાં ત્રણ બેવડી સદી ફટકારી છે. રોહિત સિવાય આખી દુનિયામાં કુલ 11 ખેલાડીઓએ બેવડી સદી ફટકારી છે, પરંતુ આ સિદ્ધિ રોહિતની બરાબરી કરતાં બીજા કોઈએ કરી નથી. તેથી અનુમાન લગાવાઈ રહ્યું છે કે વનડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારવાના આ રેકોર્ડની બરાબરી કરવી પણ ઘણા ક્રિકેટર્સ માટે મુશ્કેલ રહી શકે છે.
રોહિત IPLનો સૌથી સફળ કેપ્ટન
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરતી વખતે રોહિત શર્માએ પાંચ વખત આ ખિતાબ જીત્યો છે. આ લીગમાં અન્ય કોઈ કેપ્ટન આવી સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યો નથી. નોંધનીય છે કે છેલ્લા 2 વર્ષથી મુંબઈ ઈન્ડિયન્સની ટીમે લય ગુમાવી દીધી છે. તેની પાસે ખેલાડીઓના કોમ્બિનેશનનો પ્રશ્ન રહેલો છે. તથા રોહિત IPLનો સફળ કેપ્ટન હોવાથી આગળ શું રણનીતિ અપનાવશે એ જોવાજેવું રહ્યું.
રોહિતને ચોગ્ગા સૌથી વધુ પસંદ છે
રોહિત શર્માએ વનડે ક્રિકેટની એક ઇનિંગ્સમાં માત્ર બાઉન્ડ્રીથી 186 રન બનાવવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. રોહિતે 2014માં શ્રીલંકા સામે 264 રનની ઈનિંગમાં 186 રન બનાવ્યા હતા, જેમાં 33 ફોર અને 9 સિક્સ સામેલ હતી.
રોહિત એક વર્ષમાં સૌથી વધુ સિક્સર મારનારો બેટ્સમેન
આ સાથે રોહિત શર્મા વિશ્વનો એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે એક વર્ષમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. રોહિતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક વર્ષમાં કુલ 78 સિક્સર ફટકારી છે. તેવામાં પુલ શોટ તેનો ફેવરિટ છે. તે અવાર નવાર શોટ્સ રમતો આવ્યો છે તથા આ ક્ષેત્રમાં તેની પકડ પણ ઘણી મજબૂત છે.
રોહિતના નામે T20માં સૌથી વધુ સદી
ભારતનો સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા વિશ્વ ક્રિકેટમાં એકમાત્ર એવો ખેલાડી છે જેણે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. ટીમ ઈન્ડિયા તરફથી રમતા રોહિત શર્માએ કુલ ચાર સદી ફટકારી છે.