રોહિતે કહ્યું કે, ‘સૂર્યકુમાર ટીમ માટે જે કરી રહ્યો છે, તે અસાધારણ છે. તે ક્રીઝ પર ઉતરતા જ પોતાની નૈસર્ગિક રમત રમવાનું શરૂ કરી દે છે અને બીજા ખેલાડીઓ પરથી દબાણ હટાવે છે. અમે તેની યોગ્યતાથી સારી રીતે વાકેફ છીએ અને તે ક્રીઝ પર હોય ત્યારે બીજા છેડાનો બેટ્સમેન સહજ રહીને રમી શકે છે.’ ભારતીય કેપ્ટને મેચ અંગે કહ્યું કે, ‘તે ઘણું સારું ઓલરાઉન્ડ પ્રદર્શન હતું, જેવું કે અમે ઈચ્છતા હતા. અમે ક્વોલિફાઈ કરી લીધું હતું, પરંતુ અમે જેવું રમવા ઈચ્છતા હતા, એ જ રીતની રમત બતાવવા ઈચ્છતા હતા અને અમે એવું જ કર્યું’
રોહિતે કહ્યું કે, એડિલેડ ઓવેલમાં સેમિફાઈનલ માટે પરિસ્થિતિઓ સાથે પોતાની જાતને જલદી ઢાળી દેવી પડશે. તેણે કહ્યું કે, ‘અમે ત્યાં એક મેચ રમી હતી, પરંતુ અમારે જલદી તાલમેલ બેસાડવો પડશે. ઈંગ્લેન્ડની ટીમ સારી છે અને તે શાનદાર મુકાબલો હશે.’
ક્રિકેટ જગત ભલે સૂર્યકુમાર યાદવની બેટિંગનું પ્રશંસક બની ગયું હોય, પરંતુ મેન ઓફ ધ મેચ બનેલા આ બેટરે કહ્યું કે, તે કંઈક અલગ કરવાનો પ્રયાસ નથી કરતો અને રણનીતિ મુજબ બેટિંગ કરવાનો પ્રયાસ કરે છે. સૂર્યકુમારે કહ્યું કે, ‘જ્યારે હું અને હાર્દિક પંડ્યા બેટિંગ કરી રહ્યા હતા, તો મારું માનવું છે કે, રણનીતિ સ્પષ્ટ હતી. તેણે કહ્યું કે, સકારાત્મક બનીને રમો અને જોઈએ આપણે ક્યાં સુધી પહોંચીએ છીએ. અમે દડાને સારી રીતે હિટ કરવાનું શરૂ કર્યું અને પછી 20 ઓવર સુધી ન રોકાયા.’
તેણે કહ્યું કે, ‘મારી રણનીતિ હંમેશા સ્પષ્ટ હોય છે. હું કંઈ અલગ હટીને કરવાનો પ્રયાસ નથી કરતો. હું જે રીતે નેટ પર બેટિંગ કરું છું, એ જ રીતે મેચમાં પણ રમું છું.’
ઝિમ્બાબ્વેના કેપ્ટન ક્રેગ ઈર્વિને કહ્યું કે, ટૂર્નામેન્ટની શરૂઆતમાં સારી રમત બતાવ્યા પછી તેમની ટીમ માર્ગ ભટકી ગઈ. ઝિમ્બાબ્વેએ શરૂમાં પાકિસ્તાનને હરાવી મોટો ઉલટફેર કર્યો હતો. તેણે કહ્યું કે, ‘મને લાગે છે કે, અમે અમારી રણનીતિમાં બદલાવ કરી શકતા હતા. સૂર્ય કુમારે છેલ્લી ઓવરમાં જોરદાર બેટિંગ કરી અને રિચીની યોર્કરને સારી રીતે રમ્યો કે જે અમારી રણનીતિનો મુખ્ય ભાગ હતો. ત્યાં અમે તેમાં થોડો ફેરફાર કરી શકતા હતા.’